પાણીપૂરીથી લઈને ચંદ્રયાન સુધી દુર્ગાપૂજા પંડાલમાં વિવિધ રંગો

20 October, 2023 07:55 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કલકત્તામાં પુચકાથી સુશોભિત દુર્ગાપૂજા પંડાલને દર્શાવતા વિડિયોને પગલે આ અનોખા ખ્યાલથી જ આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ છે

ઇસરોના ચંદ્રયાન મિશન પર થીમ આધારિત દુર્ગાપૂજા પંડાલ

પશ્ચિમ બંગાળની દુર્ગાપૂજા દેશ-દુનિયામાં એક આગવું મહત્ત્વ ધરાવે છે. દર વર્ષે દુર્ગાપૂજા પંડાલમાં વિવિધ થીમ લોકોને દર્શન માટે આકર્ષે છે ત્યારે આ વર્ષે હાલમાં ભારતે સર કરેલા મિશન ચંદ્રયાનથી લઈને કલકત્તાની ફેમસ પાણીપૂરી એટલે કે પુચકાની થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રથમ વાત કરવામાં આવે તો કલકત્તાના નાદિયામાં ઇસરોના ચંદ્રયાન મિશન પર થીમ આધારિત દુર્ગાપૂજા પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ઇસરોનું રૉકેટ અને ચંદ્રની એક પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. એક મેહલ જેવો પૂજા પંડાલ પણ ચર્ચામાં છે, જેનો કિલ્લા જેવો આકાર અને વિવિધ ઝરૂખા દર્શાવતું આર્કિટેક્ચર એક નજર માગી લે છે. જોકે આ બધી થીમમાં મુખ્ય આકર્ષણ પુચકા પંડાલ છે, જે પાણીપૂરી થીમ બેઝ્‍ડ પૂજા પંડાલ છે.

મહેલ જેવો પૂજા પંડાલ

કલકત્તામાં પુચકાથી સુશોભિત દુર્ગાપૂજા પંડાલને દર્શાવતા વિડિયોને પગલે આ અનોખા ખ્યાલથી જ આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ છે. પુચકાથી લઈને ડોના પ્લેટ્સ અને રોલિંગ પિન સુધી પરિસરને શણગારવામાં આવ્યો છે. આ થીમમાં રાજ્યના પ્રિય તહેવારની ઉજવણીમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ દર્શાવવામાં આવ્યું છે. આ મનોરંજક અને મોહક પંડાલ બેહાલા નૂતન ડોલ દ્વારા ખૂબ ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે, જે તેમના પંડાલમાં ભવ્ય મા દુર્ગાની મૂર્તિ પ્રદર્શન માટે વિશાળ પૂરીની અંદર મૂકવામાં આવી છે. આ અસાધારણ ખ્યાલને જીવંત કરવા માટે તેમના થીમ આર્ટિસ્ટ અયાન સાહા સાથે સહયોગ માટે દોઢ મહિના લાગ્યા છે.

પાણીપૂરી થીમ બેઝ્‍ડ પૂજા પંડાલ

ગયા વર્ષે યુનેસ્કો દ્વારા સન્માનિત થવાથી આ ઉત્સવની ભવ્યતા બંગાળમાં નવી ઊંચાઈએ પહોંચી છે. પંડાલમાં વાંસ, લાકડાં અને ટિનમાંથી બનાવેલા વિવિધ રંગીન કાપડથી શણગારેલાં કલાત્મક સ્વરૂપમાં પુચકાનું પ્રદર્શન મુલાકાતીઓને આશ્ચર્યમાં મૂકી દે છે. કલાકાર અયાન સાહા સમજાવે છે કે ‘પાણીપૂરી એના કુદરતી સ્વરૂપમાં મર્યાદિત લાઇફ ધરાવે છે. આ મુદ્દાને ઉકેલવા માટે અમે એક રાસાયણિક ઘટક રજૂ કર્યો જે એનુ ટકાઉપણું વધારે છે.’

durga puja kolkata west bengal offbeat news international news