23 September, 2026 04:14 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
કર્ણાટક વાઇરલ વિડિયો
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને બાળકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો કર્ણાટકમાંથી સામે આવ્યો છે. અહીં એક માણસે પોતાના ટૂ-વ્હીલર પાછળ મેટલના પાંજરા જેવી એક બાસ્કેટ ફિટ કરી દીધી હતી અને એમાં મરઘાં પૂર્યાં હોય એમ પાંચ-પાંચ માસૂમ બાળકોને ઠાંસી-ઠાંસીને ભરી દીધાં હતાં. આટલું ઓછું હોય એમ આગળ પણ એક બાળકને બેસાડીને તે ટ્રાફિક વચ્ચે બિન્દાસ વાહન દોડાવી રહ્યો હતો. આ જીવલેણ જુગાડનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકોએ આ બેજવાબદાર માણસ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલી માહિતી મુજબ આ ઘટના કર્ણાટકના મૈસૂર-નંજણગુડ રોડ પર બની હતી જેમાં એક માણસે પોતાના ટૂ-વ્હીલર પાછળ મેટલનું એન્ક્લોઝર બાંધ્યું હતું. પાછળ પાંજરા જેવા બૉક્સમાં પાંચ બાળકો બેઠેલાં હતાં અને છઠ્ઠું બાળક આગળ બેઠેલું જોવા મળ્યું હતું.
રસ્તા પર જઈ રહેલા લોકોએ નોંધ્યું કે વાહન ચલાવનારા માણસે હેલ્મેટ પહેરી હતી, પરંતુ પાંજરામાં પૂરેલાં કે આગળ બેસાડેલા માસૂમ બાળકોનાં માથાં પર કોઈ હેલ્મેટ નહોતી.