24 September, 2025 10:37 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાનપુરમાં દહેજની ડિમાન્ડ પૂરી ન થતાં સાસરિયાંએ વહુને સાપ કરડાવ્યો હોવાનો આરોપ મુકાયો છે. રેશમા નામની યુવતીનાં લગ્ન ૨૦૨૧માં થયાં હતાં. તેનો પતિ શાહનવાઝ વારંવાર દહેજની ડિમાન્ડ કરતો હતો. પિયરિયાંએ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા, પણ શાહનવાઝને હજી વધુ પાંચ લાખ રૂપિયા જોઈતા હતા. આ માટે વારંવાર રેશમાને પ્રતાડિત કરવામાં આવતી હતી. જો રૂપિયા નહીં આપે તો ગળું દબાવી દઈશ એવી ધમકી આપીને કોશિશો પણ થઈ હતી એવું રેશમાએ આરોપમાં લખાવ્યું હતું. જોકે ૧૮ સપ્ટેમ્બરે રાતે સાસરિયાંએ તેની પાસેથી દીકરીને અલગ કરીને રેશમાને અલગ રૂમમાં બંધ કરી દીધી હતી. અંધારું હોવાથી તે રડતી રહી અને પછી સૂઈ ગઈ. જોકે સવારે પાંચ વાગ્યે તેને સાપ કરડ્યો. રેશમાએ ચીસો પાડી, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. તેણે હિંમત દાખવીને પોતાની બહેન રિઝવાનાને ફોન કર્યો. તે દોડી આવી અને રેશમાને સાપવાળી રૂમમાંથી બહાર કાઢીને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. રિઝવાનાએ આરોપ લગાવ્યો હતો કે સાસરિયાંએ રેશમાને મારવાના હેતુથી સાપ છોડીને રૂમને બહારથી બંધ કરી દીધી હતી.