26 May, 2025 12:43 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
સંજય શર્માએ પોતાના બોકારો ગામના ઘરની છત પર મનગમતી કારનું મૉડલ ઇન્સ્ટૉલ કરાવ્યું
પંજાબમાં લોકોના ઘરની ઉપર કાર, વિમાન, કૂકર જેવાં જાયન્ટ શેપની ટાંકીઓ બનાવવાનું બહુ ફેમસ છે. આવા જ કોઈ ગામની મુલાકાત લઈ આવેલા ઝારખંડના એક નાનકડા ગામના સંજય શર્મા નામના ભાઈને પોતાના ઘર પર પોતાની મનપસંદ ચીજ લગાવવાનું મન થયું. તેમણે પોતાના કારપ્રેમને એમાં વણી લીધો. બાળપણથી જ કારનો શોખ ધરાવતા સંજય શર્માએ પોતાના બોકારો ગામના ઘરની છત પર મનગમતી કારનું મૉડલ ઇન્સ્ટૉલ કરાવ્યું છે. પંજાબમાં લોકો જે-તે શેપની ટાંકીઓ બનાવે છે, જ્યારે સંજયભાઈએ તો રિયલ કાર જ ત્રીજા માળે ચડાવીને ચિપકાવી દીધી છે. અલબત્ત, આ માટેની કાર તેમણે સેકન્ડ હૅન્ડ ખરીદી છે. તેમણે ૧૨,૦૦૦ રૂપિયામાં જૂની હૉન્ડા સિટી કાર ખરીદી હતી અને લગભગ ૨૦,૦૦૦ રૂપિયાના ખર્ચે એને પોતાના બંગલાના ત્રીજા માળની અગાશીએ બેસાડી હતી. નાના ગામમાં આટલી ભારેખમ ચીજને ઉપર સુધી લઈ જવાનાં સંસાધનો ટાંચાં હતાં એટલે ટ્રાયલ ઍન્ડ એરર કરીને લગભગ બે મહિનાની મહેનત પછી કારને અગાશી પર પહોંચાડવામાં સફળતા મળી હતી.
શરૂઆતમાં જ્યારે આ વિચાર આવ્યો અને એને અમલમાં મૂકવાનો હતો ત્યારે સંજયભાઈની પત્નીએ પણ વિરોધ કરેલો. પત્નીને લાગતું હતું કે આવો ફાલતું ખર્ચ શું કામ કરવાનો? જોકે હવે આ કાર તેમના આખા વિસ્તારમાં એક યુનિક ઓળખ બની ગઈ છે. તેની પત્નીનું કહેવું છે હવે તે પોતે અને આસપાસના પાડોશીઓ ઑનલાઇન ડિલિવરી મગાવતી વખતે આ કારને લૅન્ડમાર્ક તરીકે ગણાવે છે અને ડિલિવરીવાળાને એ સરળ પણ પડે છે. હવે આ કાર પર લાઇટિંગ બેસાડવાનું કામ ચાલી રહ્યું છે જેથી રાતના સમયે આ કાર દૂરથી પણ ચમકીલી લાગે.