14 October, 2025 11:07 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર જપાનના સાપોરોમાં માણસ મરી જાય ત્યારે કૉફિનમાં શબની સાથે ૧૦ યેનના સિક્કા, રમકડાં, દારૂ અને સ્માર્ટફોન જેવી ચીજો રાખવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ગમતી ચીજો સાથે આપવાથી શબનો આત્મા તૃપ્ત થઈ જાય છે. કૉફિનમાં અન્ય ચીજો અને દારૂ મૂકવાની આ પહેલાં પણ ના પાડવામાં આવી છે. તાજેતરમાં દાહસંસ્કાર કરતી સંસ્થાઓએ શબની સાથે સિક્કા નહીં મૂકવાનું ફરમાન કાઢ્યું છે. એનું કારણ એ છે કે સિક્કા મૂકવાને કારણે દાહસંસ્કાર માટેના મશીનને નુકસાન થાય છે. નવાઈની વાત એ છે કે શબની સાથે ૧૦ યેન મૂકવાની પરંપરા આજકાલની નથી, સદીઓ જૂની છે, કેમ કે એવી માન્યતા છે કે માણસ મૃત્યુ પામ્યા પછી જો સાંજુ નદી પાર કરી શકે તો જ તેને પુનર્જન્મનો અવસર મળે છે. આ નદી પાર કરવા માટે શબ પાસે પૈસા હોવા જોઈએ. હવે જ્યારે સ્થાનિક અધિકારીઓએ સિક્કા મૂકવાની મનાઈ ફરમાવી છે ત્યારે સ્મશાનઘાટ પર પ્રાચીન સિક્કાઓનું મુદ્રણ કરેલું હોય એવા કાગળના ટુકડા તૈયાર કરીને એને કૉફિનમાં મૂકે છે. લોકો માને છે કે ભલે નકલી રકમ હોય, પણ નદી પાર કરીને નવા જન્મ માટે એ બહુ જરૂરી છે.