29 July, 2026 06:27 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
જપાનમાં માણસો માટે રોડ પર ફ્રિજ જેવાં કૂલિંગ બૂથ મૂકવામાં આવ્યાં
જપાનમાં પુષ્કળ ગરમી પડી રહી છે. જોકે આપણે જેમ ચિલ્ડ ઍર-કન્ડિશનર ચાલુ કરી દઈ શકીએ છીએ એવું જપાનમાં નથી થઈ શકતું. અહીં જે ઘરો અને ઑફિસોમાં ઍર-કન્ડિશનર હોય ત્યાં પણ ઓછામાં ઓછું ૨૬ ડિગ્રી તાપમાન સેટ કરવું પડે છે. એમાંય રોડ પર કામ કરતા કન્સ્ટ્રક્શન વર્કર્સ, પોલીસો અને રાહદારીઓને ગરમીને કારણે હેલ્થ પર માઠી અસરો પડે છે. તેમને ગરમીથી બચાવવા માટે આ ફ્રિજનો જુગાડ શોધવામાં આવ્યો છે. ભારે ગરમી, પસીનાને કારણે અનેક લોકોની તબિયત કથળી જતી હોવાથી તેમને હીટ-રિલેટેડ સમસ્યાઓ થાય છે. આના નિવારણ માટે કન્સ્ટ્રક્શન સાઇટ્સ, ફૅક્ટરીઓ, ગોદામો અને રોડ પર કામ કરતા કર્મચારીઓ માટે કૂલિંગ બૂથ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ બૂથ ફ્રોઝન ફૂડ વેન્ડિંગ મશીનની રેફ્રિજરેશન સિસ્ટમ પરથી ડેવલપ કરવામાં આવ્યું છે. આ ફ્રિજમાં ૧૫ ડિગ્રી તાપમાન સેટ કરવામાં આવ્યું છે. હીટવેવ અને હીટ-સ્ટ્રોકનો ખતરો હોય એવા લોકોને તાત્કાલિક ઠંડા કરવા માટે આ સુવિધા વપરાય છે.