10 March, 2025 01:13 PM IST | Perth | Gujarati Mid-day Correspondent
૧૧ મે ૨૦૧૮ની એક તસવીરમાં જેમ્સ હૅરિસન.
દુનિયાભરમાં ગોલ્ડન આર્મના નામથી મશહૂર એવા ઑસ્ટ્રેલિયાના જેમ્સ હૅરિસને ૮૮ વર્ષની વયે વિદાય લીધી છે. ન્યુ સાઉથ વેલ્સના પેનિનસુલા ગામના એક નર્સિંગ હોમમાં તેમણે થોડા દિવસ પહેલાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે ૬૦ વર્ષમાં ૧૧૭૩ વાર બ્લડ-ડોનેશન કર્યું હતું અને એના કારણે દુનિયાભરમાં ૨૪ લાખ નવજાત શિશુના જીવ
બચ્યા હતા.
જેમ્સ હૅરિસનના લોહીના પ્લાઝ્મામાં ઍન્ટિ-D નામનું અત્યંત રેર-ઍન્ટિબૉડી હતું. જ્યારે પ્રેગ્નન્ટ મહિલાનું બ્લડ-ગ્રુપ નેગેટિવ હોય અને બાળકનું બ્લડ-ગ્રુપ પૉઝિટિવ હોય ત્યારે બાળકને અત્યંત ગંભીર એવી હીમોલાયટિક ડિસીઝ ઑફ ફીટસ ઍન્ડ ન્યુ બૉર્ન (HDFN) નામની બીમારી થઈ શકે છે. આવા સંજોગોમાં નેગેટિવ બ્લડ-ગ્રુપ ધરાવતી ગર્ભવતી મહિલાઓ માટે ઍન્ટિ-D નામનું ઇન્જેક્શન બનાવવામાં આવતું હતું જેથી આ મહિલાઓના ગર્ભમાં ઊછરી રહેલું બાળક સેફ રહે. આ હેતુથી તેમણે ૬૦ વર્ષ સુધી દર અઠવાડિયે બ્લડ-ડોનેશન કર્યું હતું.
જેમ્સ જ્યારે ૧૪ વર્ષના હતા ત્યારે તેમની છાતીમાં ઑપરેશન કરવામાં આવ્યું હતું. તેમને ૧૩ યુનિટ બ્લડ ચડાવવામાં આવ્યું હતું. આને કારણે તેઓ બ્લડ-ડોનેશન માટે પ્રેરિત થયા હતા. ૧૯૫૪માં ૧૮ વર્ષની ઉંમરથી તેઓ બ્લડ-ડોનેશન કરતા રહ્યા હતા. છેલ્લે ૨૦૧૮માં ૮૧ વર્ષની ઉંમરે તેમણે બ્લડ-ડોનેશન કર્યું હતું. પત્ની બાર્બરાનું નિધન થવા છતાં જેમ્સ નિયમિત રીતે બ્લડ-ડોનેશન કરતા રહ્યા હતા.
જેમ્સના લોહીમાં ઍન્ટિ-D ઇમ્યુનોગ્લોબ્યુલિન (ઍન્ટિ-D) ઍન્ટિબૉડી હતાં. એ ગર્ભવતી માતાના લોહીમાં એવાં ઍન્ટિબૉડી બનતાં રોકે છે જે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. આ ઍન્ટિબૉડીનું ઇન્જેક્શન માતાને માંસપેશીમાં અથવા નસમાં આપવામાં આવતું હતું.
૧૯૬૦ પહેલાં HDFN નામના રોગમાં ઍન્ટિ-D ટ્રીટમેન્ટ વિના દર બેમાંથી એક નવજાતનું જન્મ સમયે મૃત્યુ થતું હતું.