પહેલાં નકામી ગણીને ફેંકી દીધેલી લૉટરીની ટિકિટ પર ૧૧ કરોડ રૂપિયાનો જેકપૉટ લાગતાં ૬ ટન કચરો ફંફોસ્યો

07 August, 2026 01:52 PM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

ઇટલીમાં એક મહિલાએ મશીનની ભૂલને કારણે લૉટરીની ટિકિટ નકામી સમજીને કચરામાં ફેંકી દીધી હતી. બાદમાં ખબર પડી કે એ ટિકિટ પર આશરે ૧૧ કરોડ રૂપિયાનો જેકપૉટ લાગ્યો હતો. ત્યાર બાદ ૬ ટન કચરો ખંગાળી આખરે ટિકિટ મળી ગઈ.

પહેલાં નકામી ગણીને ફેંકી દીધેલી લૉટરીની ટિકિટ પર ૧૧ કરોડ રૂપિયાનો જેકપૉટ લાગતાં ૬ ટન કચરો ફંફોસ્યો

ઇટલીમાં એક મહિલાએ લૉટરીની ટિકિટ ખરીદી હતી અને રિઝલ્ટના દિવસે તે સ્ટૉલ પર જઈને ચેક પણ કરી આવી. જોકે લૉટરીના સ્ટૉલ પર લાગેલા મશીનમાં એરર આવતાં તેના ટિકિટ-નંબર પર ‘નો પ્રાઇઝ’ લખેલું મળ્યું. નિરાશ થઈને તેણે એ ટિકિટ ત્યાં જ કચરાની પેટીમાં ફેંકી દીધી. જોકે જ્યારે તે ઘરે પહોંચી ત્યારે પરિવારના સદસ્યોએ કહ્યું કે તેની લૉટરીની ટિકિટ પર તો જેકપૉટ લાગ્યો છે અને એ ૧ મિલ્યન યુરોનો એટલે કે આશરે ૧૧ કરોડ રૂપિયાનો છે. આ સાંભળીને તેના પગ તળેથી ધરતી સરકી ગઈ. નકામી સમજીને ફેંકી દીધેલી પેલી ટિકિટ ૧૧ કરોડ રૂપિયાની નીકળી. તે તરત જ ભાગી પેલા સ્ટૉલ પર. ત્યાંની કચરાપેટી જોઈ તો કાઉન્ટીનું ડમ્પર કચરો ઉઠાવી ગયેલું. આટલા રૂપિયા માટે તેણે ગાર્બેજ ડિપાર્ટમેન્ટમાં જઈને વિનંતી કરી. ગાર્બેજનું મૅનેજમેન્ટ કરતા રૉબર્ટો નિકોલા નામના અધિકારીએ તેની ટીમને કામે લગાવીને ૬ ટન કચરો ફંફોસ્યો. પેલી મહિલા પણ એ કામમાં મદદે આવી હતી. સુખદ અંત એ આવ્યો કે તેને લૉટરીની ટિકિટ પાછી મળી ગઈ.

italy rome world news international news offbeat news hatke news jackpot