ટ્રેનના ટોયલેટમાં વાસણ ધોવાનો વીડિયો વાયરલ, FSSAIએ IRCTCને ફટકારી કાયદાકીય નોટિસ

30 May, 2026 10:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IRCTC Food Hygiene Row: મુંબઈથી એર્નાકુલમ જતી દુરંતો એક્સપ્રેસ માં ખાદ્યસામગ્રીની સ્વચ્છતા સંબંધિત ગંભીર બેદરકારીના આરોપોને પગલે FSSAI એ IRCTC ને કાયદાકીય નોટિસ પાઠવી છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મુંબઈથી એર્નાકુલમ જતી દુરંતો એક્સપ્રેસ (ટ્રેન નંબર 12223)માં ખાદ્યસામગ્રીની સ્વચ્છતા સંબંધિત ગંભીર બેદરકારીના આરોપોને પગલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને કાયદાકીય નોટિસ પાઠવી છે.

28 મેના રોજ જારી કરાયેલી આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના આધારે મોકલવામાં આવી છે. વીડિયોમાં કથિત રીતે કેટરિંગ સ્ટાફ અથવા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ ટ્રેનના ટોયલેટમાં વાસણ ધોઈ રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. FSSAIએ આ કૃત્યને “અત્યંત અસ્વચ્છ” ગણાવીને ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન હોવાનું જણાવ્યું છે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસે પણ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરીને રેલવે મંત્રીની ટીકા કરી હતી.

FSSAIએ પોતાની નોટિસમાં જણાવ્યું છે કે તેણે વાયરલ વીડિયો અંગે સ્વપ્રેરિત (સુઓ મોટો) રીતે સંજ્ઞાન લીધું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેન નંબર 12223 – LTT-ERS દુરંતોમાં કેટરિંગ સેવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો ટોયલેટમાં ધોવામાં આવી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે, જે મુસાફરોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત માપદંડોના સંપૂર્ણપણે વિરુદ્ધ છે

નિયમનકારી સંસ્થાએ જણાવ્યું કે આવી પ્રથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લાઇસન્સિંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસ) રેગ્યુલેશન્સ, 2011ની શેડ્યૂલ-4 હેઠળ નિર્ધારિત સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત માપદંડોના સંપૂર્ણપણે વિરુદ્ધ છે.

શેડ્યૂલ-4 મુજબ, ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા તમામ સંચાલકોએ ખાદ્યપદાર્થો અને તેનાં સંપર્કમાં આવતા સાધનોની સ્વચ્છતા જાળવવી જરૂરી છે જેથી કોઈપણ પ્રકારનું દૂષણ ન ફેલાય. FSSAIએ સ્પષ્ટ કર્યું કે ટોયલેટ જેવા સ્થળે વાસણ ધોવાની પ્રથા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તે મુસાફરોની સુરક્ષા તેમજ રેલવે કેટરિંગ સેવાઓ પ્રત્યેના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે.

FSSAIએ IRCTCને આ સમગ્ર ઘટનાનો વિગતવાર એક્શન ટેકન રિપોર્ટ (ATR) સોંપવાનો આદેશ આપ્યો છે. તેમાં ઘટનાની હકીકતો, સંબંધિત કેટરિંગ સેવા પ્રદાતાની વિગતો અને તેનું માન્ય FSSAI લાઇસન્સ નંબર, તાત્કાલિક લેવામાં આવેલા સુધારાત્મક પગલાં, જવાબદાર કોન્ટ્રાક્ટર અથવા સ્ટાફ સામે હાથ ધરાયેલી કાર્યવાહી, ફૂડ હેન્ડલર્સને આપવામાં આવેલી FoSTaC (Food Safety Training and Certification) તાલીમની માહિતી તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી આપતી વિગતો સામેલ કરવાની રહેશે.

આ ઉપરાંત IRCTCને એ પણ સ્પષ્ટ કરવા જણાવાયું છે કે ટ્રેનમાં કેટરિંગ સેવા સીધી IRCTC દ્વારા ચલાવવામાં આવે છે કે પછી કોઈ કોન્ટ્રાક્ટર અથવા લાઇસન્સધારક એજન્સી મારફતે સંચાલિત કરવામાં આવે છે.

આ નોટિસ FSSAIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (કમ્પ્લાયન્સ સ્ટ્રેટેજી) ડૉ. અમિત શર્મા દ્વારા જારી કરવામાં આવી છે. સમાચાર લખાયાં ત્યાં સુધી IRCTC તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો.

indian railways irctc indian food offbeat videos offbeat news