30 May, 2025 02:08 PM IST | Indore | Gujarati Mid-day Correspondent
વિકાસ જોશી, શિવાની શર્મા
ઇન્દોરના ઍડ્વોકેટ વિકાસ જોશીનાં લગ્ન હજી ગયા મહિને ૧૬ એપ્રિલે શિવાની શર્મા સાથે થયેલાં. જોકે ટ્રેનના એક હાદસાએ આ સુંદર જોડીને વિખૂટી પાડી દીધી. શિવાની મૂળ ઝાલોનની રહેવાસી હતી અને લૉ ભણી રહી હતી. પતિ સાથે પરીક્ષા આપવા માટે તે મંગળવારે ઉરઈ ગઈ હતી. પરીક્ષા આપીને બુધવારે સાંજે તેઓ ઇન્દોર જવા ટ્રેનમાં બેઠાં હતાં. રાતના લગભગ નવ વાગ્યે શિવપુરી રેલવે-સ્ટેશનથી થોડેક દૂર શિવાનીને વૉમિટ જેવું લાગતાં તે કોચના ગેટ પાસે જઈને ઊભી રહી ગઈ. વિકાસ પણ તેની સાથે જ હતો, પણ પાણી લેવા સીટ પર પાછો આવ્યો. એ દરમ્યાન શિવાની ટ્રેનમાંથી પડી ગઈ. પાસે ઊભેલા એક યાત્રીએ કહ્યું કે તેનો પગ લપસી જતાં તે નીચે પડી ગઈ છે. વિકાસે તરત જ ટ્રેનની ચેઇન ખેંચી અને ટ્રેન રોકીને તે દોડતો પાછળ ગયો. રાતના અંધારામાં તેણે ટ્રૅક પર તપાસ કરી. શિવાનીને ગોદમાં ઉઠાવીને તે નજીકના ક્રૉસિંગ સુધી દોડ્યો. જોકે ગવર્નમેન્ટ પોલીસે તેને મદદ કરવાને બદલે નિયમ-કાનૂનની વાતો કરીને કાગળો પર સાઇન કરાવવામાં સમય બગાડ્યો. એ પછી વિકાસને ક્રૉસિંગ પાસે એક કારવાળો મળ્યો જેણે તેમને હૉસ્પિટલ પહોંચાડ્યાં. જોકે તપાસ કરીને ડૉક્ટરોએ સારવાર પહેલાં જ શિવાનીને મૃત જાહેર કરી હતી.