11 April, 2026 01:10 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદમાં સ્કૂટી ચોરાઈ ગયા પછી ચલાન કપાયું, એમાં લગાવેલી તસવીરથી ચોર પકડાઈ ગયો
પોતાના વાહનનું ચલાન કપાય એ કોઈને ન ગમે, પરંતુ હૈદરાબાદમાં એક સ્કૂટી-માલિકને તો ચલાન કપાવાથી ચોરાયેલી સ્કૂટી પાછી મળી ગઈ. વાત એમ છે કે ફૈસલ રહમાન નામના ભાઈની સ્કૂટી ૩ મહિના પહેલાં ચોરાઈ ગઈ હતી. તેણે તરત જ નજીકના પોલીસ-સ્ટેશનમાં જઈને એની ફરિયાદ પણ લખાવી હતી. ફૈસલે સોશ્યલ મીડિયા પર તાજેતરમાં લખ્યું હતું કે થોડા દિવસ પહેલાં તેને ખોવાયેલી સ્કૂટીનું ચલાન કપાયું છે એવો મેસેજ મળ્યો. એ મેસેજની સાથે સ્કૂટીચાલકનો ફોટો પણ હતો. સ્વાભાવિક છે એના પર જે માણસ બેઠો હશે તે જ સ્કૂટીની ચોરીમાં સંકળાયેલો હોવો જોઈએ. તે તરત જ આ તસવીર સાથે પેલા પોલીસ-સ્ટેશન પહોંચ્યો જ્યાં તેણે વાહન ખોવાયાની ફરિયાદ લખાવી હતી. તેણે ફરિયાદની કૉપી પણ શૅર કરી જે ૨૪ જાન્યુઆરીની તારીખ ધરાવે છે. ટ્રાફિક-પોલીસવાળા આ દંડ કોની પાસેથી વસૂલ કરશે? ચોર પાસેથી કે પછી એના અસલી માલિક પાસેથી? પોલીસે કહ્યું કે આ તસવીર પરથી સ્કૂટી કોઈ ત્રીજા માણસ પાસે છે એ ખબર પડે છે, પરંતુ તે જ ચોર છે કે પછી તેણે ચોર પાસેથી આ વાહન ખરીદેલું છે એ ખબર નથી પડતી. આવા સંજોગોમાં અસલી ચોરને પકડવાનું અઘરું છે. સોશ્યલ મીડિયા પર એક ડિમાન્ડ ઊઠી છે કે ચોરી થયેલાં કે ગુમ થયેલાં વાહનોને સિસ્ટમમાંથી હટાવવાનો કોઈ વિકલ્પ હોવો જોઈએ.