13 March, 2025 01:41 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા જવા માટે પંજાબ અને હરિયાણાના યુવાનોને ઘેલું લાગ્યું છે અને તેઓ ડંકી-રૂટ મારફત ગેરકાયદે અમેરિકા પહોંચે છે, પણ ઘણા લોકોને તાત્કાલિક પકડવામાં આવતાં અમેરિકન સરકાર ડિપૉર્ટ કરે છે. આવી જ હાલત હરિયાણાના પંકજ રાવતની થઈ છે. પાણીપતના પંકજ રાવતે સુરતના અબદુલ્લા અને પ્રદીપ નામના એજન્ટને ૩૫ લાખ રૂપિયા આપ્યા હતા. તેમણે અમેરિકા પહોંચાડવાની અને નોકરી આપવાની ખાતરી આપી હતી. પંકજને ૨૦૨૪ના ઑગસ્ટ મહિનામાં મુંબઈ ઍરપોર્ટથી ગયાનાની ફ્લાઇટમાં ટિમરી ઍરપોર્ટ મોકલવામાં આવ્યો હતો અને ત્યારથી તેની હાલત ખરાબ થઈ હતી. તેને છ મહિના સુધી એક પછી એક એમ ૧૧ દેશમાં ફેરવવામાં આવ્યો હતો અને એ દેશોમાં સાઉથ અમેરિકાના ગયાના, બ્રાઝિલ, પેરુ, ઇક્વાડોર, કોલંબિયા, પનામા, કોસ્ટારિકા, હૉન્ડુરાસ, નિકારાગુઆ, ગ્વાટેમાલા અને મેક્સિકોનો સમાવેશ છે. આ બધા દેશોમાં છ મહિના સુધી ફેરવ્યા બાદ પહેલી ફેબ્રુઆરીએ તેને મેક્સિકોની ટેકાટે બૉર્ડરથી અમેરિકામાં ઘુસાડવામાં આવ્યો હતો પણ પોલીસે તેને પકડી લીધો હતો અને ૧૫ દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ ૧૬ ફેબ્રુઆરીએ અમેરિકન ઍરફોર્સના વિમાનમાં તેને અમ્રિતસર ઍરપોર્ટ પર પાછો મોકલી દેવાયો હતો. હવે પંકજે અબદુલ્લા અને પ્રદીપ સામે માનવતસ્કરી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેને પાણીપતથી સુરત ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેને અનેક સ્થળે ગોંધી રાખવામાં આવ્યો હતો અને જંગલોના ભયાનક રસ્તાઓમાં પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. સુરત પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ હાથ ધરશે.