મળો સૌથી નાની ઉંમરના ઍપ ડેવલપરને

08 August, 2022 12:17 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

કાર્તિકેય જણાવે છે કે તેના ખેડૂતપિતાએ મહામારી દરમ્યાન ઑનલાઇન ક્લાિસસ માટે લગભગ ૧૦,૦૦૦ રૂપિયામાં મોબાઇલ ફોન ખરીદ્યો હતો

કાર્તિકેય જાખર

હરિયાણાના ઝજ્જર ગામની જવાહર નવોદયા વિદ્યાલયના આઠમા ધોરણમાં ભણતા કાર્તિકેય જાખરે કોઈના પણ માર્ગદર્શન વિના ત્રણ શૈક્ષણિક ઍપ્લિકેશન્સ વિકસાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ સૌથી નાની વયના ઍપ ડેવલપર તરીકે નોંધાવવા ઉપરાંત તેની આ પ્રતિભાના આધારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઍડ્મિશન પણ મેળવ્યું છે. 

કાર્તિકેય જણાવે છે કે તેના ખેડૂતપિતાએ મહામારી દરમ્યાન ઑનલાઇન ક્લાિસસ માટે લગભગ ૧૦,૦૦૦ રૂપિયામાં મોબાઇલ ફોન ખરીદ્યો હતો. તેણે કહ્યું કે ‘શરૂઆતમાં કોડિંગ પ્રોસેસ વખતે મને ઘણી મુશ્કેલી પડી હતી, પરંતુ મેં યુટ્યુબની મદદથી એનો ઉકેલ શોધ્યો અને મારો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. મેં ત્રણ ઍપ્લિકેશન્સ તૈયાર કરી હતી, જેમાં પહેલી લ્યુસન્ટ જીકે ઑનલાઇન નામની સામાન્યજ્ઞાન આધારિત છે, બીજી રામ કાર્તિક લર્નિંગ સેન્ટર નામની કોડિંગ અને ગ્રાફિક ડિઝાઇન માટેની છે અને ત્રીજી શ્રીરામ કાર્તિક ડિજિટલ એજ્યુકેશન છે. આ ત્રણેય ઍપ હાલમાં ૪૫,૦૦૦ સ્ટુડન્ટ્સને મફતમાં તાલીમ પૂરી પાડે છે.’  

કાર્તિકેયનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ​ઇન્ડિયા ઝુંબેશથી મને દેશની સેવા કરવાની ઇચ્છા જાગી હતી, જેને પગલે મને આ ઍપ ડેવલપ કરવાની પ્રેરણા મળી હતી. 
આ ઉપરાંત કાર્તિકેયે હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રવેશ-પરીક્ષામાં લાયકાત મેળવીને શિષ્યવૃત્તિ પણ મેળવી લીધી છે અને હવે તે યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બીએસસીનો અભ્યાસ કરી રહ્યો છે.

offbeat news guinness book of world records haryana national news