04 December, 2025 10:59 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
હૅના ફ્રેસર
ઑસ્ટ્રેલિયાની ૫૧ વર્ષની હૅના ફ્રેસર નામની મહિલા જળપરી જેવું કામ કરે છે અને એ જ કામથી અઢળક પૈસા કમાય છે. તે પ્રોફેશનલ મર્મેઇડ એટલે કે માછલી છે. તે ૯ વર્ષની હતી ત્યારે તેણે એક ફિલ્મ જોયેલી જેમાં એક વ્યક્તિ પાણીમાં માછલીની જેમ તરી રહી હતી. એ જ વખતે તેણે નક્કી કરેલું કે તે પણ જળપરી બનશે. માની મદદથી એક પ્લાસ્ટિકની શીટ અને તકિયો બાંધીને તેણે પોતાના પગ બાંધીને માછલી જેવી પૂંછડી બનાવી અને સ્વિમિંગ-પૂલમાં પડીને તરવા લાગી. તેને બહુ જ ઓછી તાલીમની જરૂર પડી. તે માછલી જેવી પાંખો પગમાં લગાવીને એવી રીતે પાણીમાં તરે છે જાણે ખરેખર માછલી જ લાગે. તે ખાસ્સો સમય પાણીમાં ઑક્સિજન-માસ્ક વિના તરી શકે છે. એક વાર ડૂબકી મારે તો ૪ મિનિટ સુધી તે પાણીની અંદર ૫૦ ફુટ ઊંડે સુધી જઈને માછલી જેવાં કરતબો બતાવી શકે છે. આ જ તેનું પૅશન છે અને એ જ પ્રોફેશન.