14 December, 2025 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુલ્હાએ પોતાને મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નઈ સુપરકિંગ્સનો મોટો ફૅન ગણાવીને ભાવિ પત્ની સાથે એક ઍગ્રીમેન્ટ કર્યું હતું
સોશ્યલ મીડિયા પર લગ્નનો એક મજેદાર વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. ભારતમાં ક્રિકેટ અને મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી જેવા લેજન્ડરી ક્રિકેટરોના અગણિત ચાહકો છે. આવા જ એક ચાહક દુલ્હાએ પોતાને મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નઈ સુપરકિંગ્સનો મોટો ફૅન ગણાવીને ભાવિ પત્ની સાથે એક ઍગ્રીમેન્ટ કર્યું હતું, જેમાં તેણે લખેલું કે જીવનમાં ગમે ત્યારે મહેન્દ્ર સિંહ ધોની, CSK કે RCBની મૅચ હોય ત્યારે એ બેરોકટોક જોવા દેવામાં આવશે. ધ્રુવ મજીઠિયા નામના દુલ્હાએ ૫૦૦ રૂપિયાના સ્ટૅમ્પપેપર પર ભાવિ પત્ની આશીમા સાથે કરાર કર્યો હતો કે ‘આશીમા મને જીવનભર જ્યારે પણ મહેન્દ્ર સિંહ ધોની કે ચેન્નઈ સુપરકિંગ્સની મૅચ હોય ત્યારે કોઈ જ બાધા વિના જોવા જવાની પરવાનગી આપશે. જો આ મંજૂર હોય તો જ હું તેની સાથે સાત ફેરા લેવા તૈયાર છું. જો ભવિષ્યમાં ક્યારે પણ આશીમા મૅચ ન જોવા બાબતે કોઈ પણ પ્રકારની ઇમોશનલ દલીલ રજૂ કરશે તો એને આ કરારનું ઉલ્લંઘન ગણવામાં આવશે.’ લગ્ન સમયે આ ઍગ્રીમેન્ટ દુલ્હાએ વાંચી સંભળાવ્યું ત્યારે હાજર સો ખડખડાટ હસી પડ્યા હતા.