૨૮ વર્ષથી દર વર્ષે મેડિકલની પરીક્ષા આપે છે, પણ હજી સુધી પાસ નથી થયા 

31 March, 2026 01:23 PM IST  |  Gorakhpur | Gujarati Mid-day Correspondent

ગોરખપુરની BRD મેડિકલ કૉલેજમાં એક વિદ્યાર્થી ૧૯૯૮માં દાખલ થયો હતો

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક મેડિકલ કૉલેજ છે અને અહીં ત્રણ વિદ્યાર્થીઓ એવા સદાબહાર છે કે છેલ્લાં લગભગ દસથી ૨૮ વર્ષથી અહીં ભણે છે, પરીક્ષાઓ આપે છે અને છતાં નાપાસ થતા હોવાથી અહીંના અહીં જ પડ્યા રહ્યા છે. ગોરખપુરની BRD મેડિકલ કૉલેજમાં એક વિદ્યાર્થી ૧૯૯૮માં દાખલ થયો હતો. જ્યારે બીજા બે વિદ્યાર્થીઓ ૨૦૦૯ અને ૨૦૧૯ની સાલમાં જોડાયા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓ એકેય પરીક્ષામાં પાસ નથી થઈ શક્યા. જોકે એ પછી પણ થાક્યા નથી. ધીરે-ધીરે વર્ષોનાં વહાણાં વાઈ ગયાં છે. મેડિકલ કૉલેજે હવે આ ત્રણેય વિદ્યાર્થીઓનાં રિઝલ્ટ જાહેર કરવાનું બંધ કરી દીધું છે. જોકે ૨૮ વર્ષથી જે સ્ટુડન્ટ પરીક્ષા આપી રહ્યો છે તેણે પોતાનું રિઝલ્ટ જાહેર થાય એ માટે હાઈ કોર્ટમાં ગુહાર લગાવી હતી. તાજેતરમાં હાઈ કોર્ટના કહેવાથી કૉલેજે તેનું રિઝલ્ટ જાહેર કર્યું હતું, પરંતુ એમાંય તે બે વિષયમાં નાપાસ થયો હતો. સવાલ એ છે કે આટલાં વર્ષો પછી ધારો કે આ વિદ્યાર્થી ડૉક્ટર બની પણ જાય તો એ કેવો ડૉક્ટર હશે? 

uttar pradesh offbeat news national news news