05 September, 2026 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૂગલના કો-ફાઉન્ડરની સુપરયૉટમાં તેલ પુરાવવામાં ૧૩ કલાક લાગે છે અને ૧૩.૬૧ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે
દુનિયાના અબજોપતિઓ અને તેમના શોખ હંમેશાં લોકોને અચંબામાં મૂકી દેતા હોય છે. ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની અત્યંત આલીશાન અને વિશાળ સુપરયૉટ ડ્રૅગનફ્લાય હાલ ભારે ચર્ચામાં છે. ૪૫૦ મિલ્યન ડૉલર એટલે કે ૩૭૫૦ કરોડ રૂપિયાની જહાજ જેવી આ બોટ એટલી મોટી છે કે એને સામાન્ય બોટિંગ ક્લબ કે મરીનામાં તેલ પણ પુરાવી શકાતું નથી.
તાજેતરમાં જિબ્રાલ્ટરના કમર્શિયલ બન્કરિંગ પોર્ટ પર આ સુપરયૉટને ઈંધણ પુરાવવા માટે લાંગરવામાં આવી હતી. ૪૬૬ ફુટ એટલે કે ૧૪૨ મીટર લાંબી આ યૉટ સામાન્ય મરીનાની ક્ષમતા કરતાં ઘણી મોટી હોવાથી એને મોટા કમર્શિયલ શિપવાળા પોર્ટનો ઉપયોગ કરવો પડે છે. જિબ્રાલ્ટરના આ પોર્ટ પર પ્રતિ કલાકે ૮૦ મેટ્રિક ટન સ્પીડથી ઈંધણ પમ્પ કરવામાં આવે છે. જો આ યૉટમાં ૫૦૦ મેટ્રિક ટન તેલ પુરાવવું હોય તો આશરે ૬ કલાક ૪૫ મિનિટ લાગે છે અને એનો ખર્ચ આશરે ૬ કરોડથી ૬.૫ કરોડ રૂપિયા જેટલો થાય છે.
જો ૧૦૦૦ મેટ્રિક ટન ઈંધણની જરૂર પડે તો સળંગ ૧૩ કલાક સુધી પમ્પિંગ કરવું પડે છે અને એનો ખર્ચ આશરે ૧૩.૬૧ કરોડ રૂપિયા જેટલો થાય છે. પાંચ માળની આ સુપરયૉટમાં કાચના તળિયાવાળો સ્વિમિંગ-પૂલ, સ્પા, સિનેમા હૉલ, ગેમિંગ-રૂમ અને હેલિપૅડ જેવી તમામ આધુનિક સુવિધાઓ મોજૂદ છે. અબજોપતિની આ ફ્લોટિંગ હવેલી તેલ પુરાવવા માટે પણ જે રીતે કમર્શિયલ પોર્ટ રોકી લે છે એ જોઈને આખું સોશ્યલ મીડિયા ચોંકી ગયું છે.