21 November, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જપાનના રેલવે-સ્ટેશન પર નોકરીએ રખાયેલી બે બકરીઓને રિટાયર
જપાનના સેન્ટ્રલ ટોક્યોના યોત્સુયા નામના રેલવે-સ્ટેશન પર ઊગી રહેલાં નીંદણને સાફ કરવા માટે માણસોને બદલે બે બકરીઓને નોકરીએ રાખવામાં આવી હતી. આ બકરીઓ ૩ મહિનાની ટ્રાયલ પર હતી, પરંતુ આ બકરીઓએ એટલું સારું કામ કર્યું કે તેમણે નીંદણ માત્ર ૬ વીકમાં ઝાપટી લીધું. આ બકરીઓને કારણે યોત્સુયા સ્ટેશન પણ ખૂબ ફેમસ થયું હતું. અહીં પ્રવાસીઓ ખાસ બકરીઓને જોવા ઊતરતા હતા. એમની સાથે બાળકો રમતાં હતાં અને વિડિયો-ફોટો પાડીને સોશ્યલ મીડિયા પર શૅર કરતાં હતાં. જોકે આ બકરીઓએ મોટાભાગનું લીલું ઘાસ અને નીંદણ સફાચટ કરી નાખ્યું હોવાથી તેમના માટે કંઈ કામ બચ્યું જ નથી. કામ વિના નોકરીએ રાખવાનું પોસાય એમ ન હોવાથી રેલવે-પ્રશાસને બકરીની જોડીને વહેલી રિટાયર કરી દીધી હતી. હવે તેમને ફરીથી ૨૦૨૭માં નવું લીલું ઘાસ આવશે ત્યારે હાયર કરવામાં આવશે. આ સમાચાર પછી કૉર્પોરેટ વર્લ્ડમાં અનેક મીમ્સ ફરી રહ્યા છે કે સમય કરતાં વહેલો ટાર્ગેટ પૂરો કરવાથી પ્રમોશન નહીં, રિટાયરમેન્ટ પણ મળી શકે છે.