હાઇવે પાસે કાર પર પડ્યો પથ્થર, પણ ગર્લફ્રેન્ડના ફોને જીવ બચાવી લીધો

13 January, 2023 01:33 PM IST  |  Sacramento | Gujarati Mid-day Correspondent

કૅલિફૉર્નિયામાં આવેલા તોફાન અને ત્યાર બાદ આવેલાં પૂરને કારણે ત્યાં ઘણા ખડક રોડ પર ધસી આવ્યા હતા

હાઇવે પાસે કાર પર પડ્યો પથ્થર, પણ ગર્લફ્રેન્ડના ફોને જીવ બચાવી લીધો

કૅલિફૉર્નિયાના માલાબુમાં એક કારચાલકનો આબાદ બચાવ થયો હતો. એ સમયે તેણે પોતાની કાર હાઇવે પાસે આવેલી એક ટેકરી નજીક પાર્ક કરી હતી. મૉરિસિયો હેનાઓ નામનો યુવક કાર પર ખડક ધસી પડ્યો એ પહેલાં અંદર હતો, પરંતુ ત્યારે જ ફોન આવ્યો અને તે પોતાના ઘર તરફ ગયો હતો. થોડી જ વારમાં તેણે મોટો અવાજ સાંભળ્યો અને બહાર આવીને જોયું કે એક મોટા પથ્થરે તેની કારની હાલત બગાડી મૂકી છે. કૅલિફૉર્નિયામાં આવેલા તોફાન અને ત્યાર બાદ આવેલાં પૂરને કારણે ત્યાં ઘણા ખડક રોડ પર ધસી આવ્યા હતા. એને કારણે રસ્તા જોખણી બની ગયા છે. મૉરિસિયો હેનાઓ જે ડ્રાઇવર-સીટ પર બેસે છે ત્યાં જ પથ્થર પડ્યો હતો. કારનું વિન્ડશીલ્ડ પણ તૂટી ગયું હતું. તેણે કહ્યું કે ‘મારી ગર્લફ્રેન્ડે મને ફોન કર્યો અને ઘરમાંથી બૅગ લઈ આવવાનું કહ્યું. આમ મારી ફ્રેન્ડના ફોને મારો જીવ બચાવ્યો હતો.’

આ પણ વાંચો : મહિલાએ લૅન્ડ રોવરને વૉટર શાવર સહિતના મોટરહોમમાં પરિવર્તિત કરી

રોડ પર ઘણા નાના-મોટા પથ્થર પડ્યા હતા અને ટેકરીની આસપાસ પાર્ક કરેલી ઘણી બધી કારને નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં બચી જતાં મૉરિસિયોએ કાર સાથે એક સેલ્ફી પણ લીધો હતો અને ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું. જોકે તે ડરી ચોક્કસ ગયો હતો. તેણે કહ્યું કે હવે ક્યારેય અહીં મારી ગાડી પાર્ક નહીં કરું. અહીં આવી ઘણી ઘટના બનતી રહે છે. કૅલિફૉર્નિયામાં આવેલા તોફાનને કારણે કુલ ૧૭ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા.

offbeat news california international news automobiles