પતિએ પત્નીને જમવાનું બનાવવા કહ્યું તો પત્નીએ દાંતથી તેની જીભ જ કાપી નાખી

22 January, 2026 12:06 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વિપિનકુમાર નામના યુવકનાં છ મહિના પહેલાં જ ઈશા નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં

કપલ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વિપિનકુમાર નામના યુવકનાં છ મહિના પહેલાં જ ઈશા નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં. ઈશાને રીલ બનાવવાનો જબરો શોખ હતો અને તે આએ દિન સિગારેટ અને દારૂ પણ પીતી હતી. સોશ્યલ મીડિયા પર રીલ બનાવીને મૂકવાના શોખને કારણે તેનું ધ્યાન ઘરના કામમાં રહેતું જ નહોતું. એવામાં સોમવારે ઈશાએ ઘણાબધા વિડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા હતા. જોકે રીલના ચક્કરમાં તેણે રાતનું જમવાનું જ બનાવ્યું નહીં. રાતે ઘરે પહોંચ્યા પછી વિપિને જમવાનું માગ્યું. એ મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થઈ ગયો. ગુસ્સામાં વિપિને ઈશાને થપ્પડ મારી દીધી. ઝઘડો વધે નહીં એ માટે વિપિનની માએ બહારથી ભોજન મગાવીને વાત ત્યાં જ પતાવી. એ પછી વિપિન-ઈશા સૂવા માટે બીજી રૂમમાં જતાં રહ્યાં. રૂમમાં ફરીથી ભોજન કેમ ન બનાવ્યું એ બાબતે વાત નીકળતાં વાત ગરમાઈ. એ વખતે ગુસ્સે ભરાયેલી ઈશાએ વિપિનની જીભ પોતાના જ દાંતથી કાપીને એનો ટુકડો જુદો કરી નાખ્યો. વિપિનની મા ગીતાએ દીકરાને હૉસ્પિટલમાં ભરતી કરવાની સાથે પોલીસમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ ઈશાએ બીજી રૂમમાં જઈને પોતાનાં પિયરિયાંને ફોન કરીને બોલાવી લીધાં હતાં. પિયરિયાંઓએ આવીને ગીતા પર હાથ ઉપાડતાં કૉલોનીમાં રહેતા લોકોએ ગીતાને સાથ આપ્યો હતો અને વહુના પિયરિયાંની ધુલાઈ કરી દીધી હતી. 

offbeat news uttar pradesh ghaziabad Crime News