25 September, 2025 12:00 PM IST | Germany | Gujarati Mid-day Correspondent
૬૮ વર્ષના એક કાકાએ અનોખો પ્રયોગ કર્યો હતો
રવિવારે જર્મનીના બર્લિનમાં મૅરથૉન યોજાઈ હતી. એમાં ૬૮ વર્ષના એક કાકાએ અનોખો પ્રયોગ કર્યો હતો. સામાન્ય રીતે ડ્રીમ રન દોડનારા લોકો ગતકડાં કરતાં હોય છે, પરંતુ મોશે લેડરફિન નામના આ કાકાએ ફુલ મૅરથૉન દોડી હતી અને એ પણ માથે અનનાસ બૅલૅન્સ કરીને. તેમણે બેઠા ઘાટનું પાઇનૅપલ લીધું અને એને કોઈ જ સ્ટ્રૅપ, ટૅપ કે ડિવાઇસની મદદ વિના માથા પર સેટ કર્યું. તેમના માથે વાળ ન હોવાથી મેદાન સફાચટ હતું. બસ, સંતુલન જાળવીને તેમણે દોડ શરૂ કરી દીધી. એક જ રિધમમાં સાતત્યપૂર્વક તેઓ દોડ્યા અને પાંચ કલાક ૪ મિનિટમાં મૅરથૉન પૂરી પણ કરી લીધી. આ કંઈ પહેલો પ્રયોગ નહોતો. મોશેભાઈ આ પહેલાં ૧૧ વાર અનનાસ માથે રાખીને દોડ્યા છે. એક વાર તેમણે છોડનું કૂંડું પણ માથે રાખીને મૅરથૉન દોડી હતી. હવે તો જ્યારે પણ મૅરથૉન હોય ત્યારે તેઓ સેલિબ્રિટી બની જાય છે. તેમના પર એક ડૉક્યુમેન્ટરી પણ બની ચૂકી છે. ન્યુ યૉર્કની મૅરથૉનમાં પણ તેઓ આવા જ ગતકડા સાથે દોડ્યા હતા.