07 December, 2024 05:48 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
વિજ્ઞાનીઓએ ઍડ્વાન્સ્ડ ફૉરેન્સિક ટેક્નિકની મદદથી માયરાના સંત નિકોલસનો ચહેરો તૈયાર કર્યો
ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને ક્રિસમસ નજીક આવી રહી છે. નાતાલમાં સૌકોઈને સૌથી વધુ આકર્ષણ સૅન્ટા ક્લૉઝનું હોય છે. નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ક્રિસમસની રાતે રેન્ડિયરની સવારી લઈને સૅન્ટા ક્લૉઝ ચાંદામામાના ઘરેથી આવે છે અને ચૂપચાપ ગિફ્ટ આપીને જતા રહે છે. આજ સુધી કોઈએ તેમનો ચહેરો પણ નથી જોયો, પણ વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે સૅન્ટા ક્લૉઝ કેવા લાગતા હતા. વિજ્ઞાનીઓએ ઍડ્વાન્સ્ડ ફૉરેન્સિક ટેક્નિકની મદદથી માયરાના સંત નિકોલસનો ચહેરો તૈયાર કર્યો છે. તેમનું મૃત્યુ ૧૭૦૦ વર્ષ પહેલાં થયું હતું અને તેમને કારણે આધુનિક સૅન્ટા ક્લૉઝની પ્રેરણા મળી હોવાનું કહેવાય છે. વિજ્ઞાનીઓએ તેમની ખોપરીના ડેટાનું ઍનૅલિસિસ કરીને ચહેરો બનાવ્યો છે. બિશપ સંત નિકોલસ ખ્રિસ્તી ધર્મની શરૂઆતના દાયકાઓમાં થઈ ગયા. સ્વભાવે ઉદાર સંત લોકોને ભેટ-સોગાદો આપતા હતા. તેમની દયાભાવના અને સેવાકાર્યોએ ડચ સંસ્કૃતિનો પાયો નાખ્યો હતો. એ પછી અંગ્રેજી ફાધર ક્રિસમસ સાથે તેમને જોડીને સૅન્ટા ક્લૉઝનું સર્જન થયું હતું. સૅન્ટા ક્લૉઝનો ચહેરો બનાવનારા મુખ્ય સંશોધક સિસરો મોરેસે કહ્યું કે ૧૯૫૦માં લુઇગી માર્ટિનોએ એકત્ર કરેલા ડેટાના આધારે ખોપરીનું થર્ડ ડાઇમેન્શન
(થ્રી-ડી) મૉડલ બનાવવામાં આવ્યું હતું. એ પછી સ્ટૅટિસ્ટિકલ અનુમાન અને શારીરિક રચનાની ટેક્નિકનો ઉપયોગ કરીને ચહેરાની પ્રોફાઇલ શોધી. મોરેસે કહ્યું કે ૧૮૨૩માં લખાયેલી કવિતા ‘અ વિઝિટ ફ્રૉમ સેન્ટ નિકોલસ’માં સંતનું વર્ણન કર્યું છે, તેના જેવો જ મજબૂત અને સૌમ્ય ચહેરો બન્યો છે. પુનર્નિર્મિત ચહેરામાં પહોળો ચહેરો અને ગીચ દાઢી છે અને એ સૅન્ટા ક્લૉઝને મળતો આવે છે.