ટ્રેનના ફર્સ્ટ ACના કોચમાં બનાવી દીધો હનીમૂન સ્વીટ

09 July, 2026 12:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વિડિયો વાઇરલ થયા પછી સોશ્યલ મીડિયામાં ચર્ચા છેડાઈ કે શું આવું ટ્રેનમાં કરવાનું અલાઉડ છે ખરું?

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

હનીમૂન માટે કપલ ક્યાંક ફરવા જઈ રહ્યું હોય તો હવે કપલે રોમૅન્ટિક મિજાજ ઑન કરવા માટે છેક ડેસ્ટિનેશન પર પહોંચવા સુધીની રાહ જોવાની જરૂર નથી. આવું એટલા માટે કહીએ છીએ કેમ કે સોશ્યલ મીડિયામાં રેલવેનો ફર્સ્ટ ACનો કોચ હનીમૂન સ્વીટ તરીકે સજાવેલો હોય એવો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે. વિડિયોમાં ફર્સ્ટ ACનો આખો કમ્પાર્ટમેન્ટ ફુગ્ગા, દિલ શેપમાં ગોઠવેલાં રોઝ ફ્લાવર્સ અને ફ્લાવર્સથી જ લખેલું I LOVE YOU વાંચી શકાય છે. જો બહારનો નજારો ન જોઈએ તો આ કોઈ ફાઇવ-સ્ટાર હોટેલનો સુહાગરાત માટે સજેલો રૂમ જ લાગે.

આ વિડિયો વાઇરલ થયા પછી સોશ્યલ મીડિયામાં ચર્ચા છેડાઈ કે શું આવું ટ્રેનમાં કરવાનું અલાઉડ છે ખરું? નાલન્દા ઇન્ડેક્સ નામના સોશ્યલ મીડિયા હૅન્ડલ પરથી ૭ જુલાઈએ પોસ્ટ થયેલા આ વિડિયોની કમેન્ટમાં કેટલાક લોકોએ ભારતીય રેલવેને પણ ટૅગ કરીને જવાબ માગ્યો અને રેલવે તરફથી જવાબ મળ્યો પણ ખરો. રેલવેએ જવાબ આપ્યો હતો કે, ‘મુસાફરે આખું કમ્પાર્ટમેન્ટ બુક કર્યું હતું એટલે એ કૅબિન સફર માટે તેમની થઈ ગઈ હતી. તેમણે આ સજાવટ જાતે કરી હશે. આ સજાવટને કારણે રેલવેની કોઈ સંપત્તિને નુકસાન નથી પહોંચ્યું એ મહત્ત્વની વાત છે.’

નંદીગ્રામ એક્સપ્રેસમાં બનેલી આ ઘટના વિશે સાઉથ સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું હતું, ‘દંપતીએ કૅબિનને સજાવવા માટે ઈવેન્ટ સ્ટાઇલિંગ સર્વિસની મદદ લીધી હતી. જોકે ટિકિટ એક્ઝામિનરે (TTE) આ કંપનીને ટ્રેનમાં ચડવા દેવી જોઈતી નહોતી એટલે જાલનાના TTEને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.’

indian railways viral videos offbeat news national news NEWS