ફિનલૅન્ડના સાયન્ટિસ્ટોનો દાવો: સોનું ઝાડ પર ઊગી શકે છે

13 October, 2025 11:02 AM IST  |  finland | Gujarati Mid-day Correspondent

એક તરફ સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે ફિનલૅન્ડના સાયન્ટિસ્ટોએ કંઈક અજીબોગરીબ દાવો કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

એક તરફ સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે ફિનલૅન્ડના સાયન્ટિસ્ટોએ કંઈક અજીબોગરીબ દાવો કર્યો છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે સોનાની ધાતુ ખાણમાંથી જ મળે છે, પરંતુ યુનિવર્સિટી ઑફ ઓઉલુ અને જિયોલૉજિકલ સર્વે ઑફ ફિનલૅન્ડના સંશોધકોનું કહેવું છે કે નૉર્વેના સ્પ્રૂસ ટ્રીની સોય જેવી પત્તીઓમાં ગોલ્ડના નૅનોપાર્ટિકલ્સ જોવા મળ્યા છે. સૌથી અચરજ પમાડે એવી વાત એ છે કે આ સોનું કોઈ મશીન કે કેમિકલમાંથી નહીં પણ ઝાડની અંદર મોજૂદ માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મ જીવોની મદદથી બની રહ્યું છે. મતલબ કે કુદરત પાસે પોતાની ગોલ્ડમેકિંગ ફૅક્ટરી છે, બસ આપણી નજર છેક હવે એની પર પહોંચી છે. 

જો આ વાંચીને નૉર્વે જઈને સ્પ્રૂસ ટ્રી તોડી લાવવાની ઇચ્છા થઈ હોય તો ખમૈયા કરો. જરા જાણી લઈએ કે આ વાતમાં કેટલું તથ્ય છે અને કેટલું વર્થ છે. સ્પૂસ ટ્રીમાં અનેક માઇક્રોબ્સ રહે છે જે કેમિકલ રીઍક્શનથી પ્રભાવિત થાય છે. જે પાન પર ખાસ બૅક્ટેરિયા કૉરિનેબૅક્ટેરિયમ અને ક્યુટિબૅક્ટેરિમ હોય એમાં જ ગોલ્ડ નૅનોપાર્ટિકલ્સની હાજરી જોવા મળી છે. આ સૂક્ષ્મ જીવો વૃક્ષના પાનની ઉપર એક ચીકણી પરત જેવું બનાવે છે જે એક મિની લૅબોરેટરી જેવું કામ કરે છે. એ કેટલાક સમય પછી ધૂળમાં ભળી ગયેલા સૉલિડ ગોલ્ડ પાર્ટિકલ્સમાં બદલાય છે અને પાન પર જામી જાય છે. તમામ સ્પ્રૂસ ટ્રીમાં ગોલ્ડ નથી ઊગતું. વૃક્ષ કઈ જગ્યાએ ઊગ્યું છે, એને ક્યાંનું પાણી મળે છે, એમાં સૂક્ષ્મ જીવોનું કેવું કૉમ્બિનેશન છે અને સ્થાનિક આબોહવા કેવી છે એ બધી ચીજોના આધારે સોનું તૈયાર થશે કે નહીં એ નક્કી થાય છે.

international news world news gold silver price commodity market finland offbeat news