24 October, 2024 02:17 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
ડૉક્ટરોએ એક યુવકને બચાવ્યો
ચપ્પુ સીધું હૃદયમાં ઘૂસી ગયું હોય તો કોઈ ન બચી શકે, પણ હરિયાણાના ડૉક્ટરોએ એક યુવકને બચાવ્યો છે. હરિયાણાના સોનીપત જિલ્લાના એક ગામમાં ૧૬ ઑક્ટોબરે સમીર નામના ડ્રાઇવરને કેટલાક લોકો પોતાની સાથે લઈ જવા આવ્યા હતા. સમીરે ના પાડી એટલે મારવા લાગ્યા તો દિનેશ વચ્ચે પડ્યો એટલે એ લોકો ધમકી આપીને જતા રહ્યા હતા. એ પછી એ લોકો પાછા આવ્યા અને દિનેશને સામાન્ય ઝઘડામાં કોઈએ છાતીમાં ચપ્પુ માર્યું હતું. ઘા કરતાં ચપ્પુ અંદર ઘૂસી ગયું ને એનો હાથો તૂટી ગયો. આવી જ ગંભીર સ્થિતિમાં રાત્રે બે વાગ્યે તેને રોહતકની PGI હૉસ્પિટલમાં લઈ જવાયો. દિનેશને કાર્ડિઍક સર્જરી માટેના ઑપરેશન થિયેટરમાં લઈ જવાયો. દિનેશને ચપ્પુ કેટલે ઊંડે સુધી ઘૂસી ગયું છે એ વિશે હૉસ્પિટલના નિર્દેશક અને સિનિયર કાર્ડિઍક સર્જ્યન ડૉ. એસ. એસ. લોહચબે કહ્યું કે ચપ્પુ ચોથી પાંસળીમાંથી જમણા ફેફસા, હૃદય પાસેના આવરણ (પ્રીકૉર્ડિયમ)માં ઘૂસી ગયું હતું. સીધું જ ચપ્પુ કાઢવામાં વધુપડતો રક્તસ્રાવ થવાથી યુવાનનું મૃત્યુ થવાનું જોખમ હતું. એટલે ડૉક્ટરોએ સૌપહેલાં હૃદય પાસેના પ્રીકૉર્ડિયમ નામના ભાગને થોડું વધારે ઓપન કરીને ચપ્પુ બહાર ખેંચ્યું. એ પછી હૃદયની જમણી બાજુની ચેમ્બર રિપેર કરી. ત્યાર પછી ફેફસાંને રિપેર કરીને ચપ્પુ બહાર કાઢી નાખ્યું. આ ઑપરેશન ૩-૪ કલાક સુધી ચાલ્યું હતું.