08 February, 2025 10:06 PM IST | Bilaspur | Gujarati Mid-day Correspondent
યુવકના પેટમાંથી નીકળ્યા ૩૦૦ રૂપિયાની કિંમતના ૩૩ સિક્કા
હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઘુમારવીમાં પેટમાં દુખાવાની ફરિયાદ કરતા ૩૩ વર્ષના એક યુવકને તેના પરિવારજનો પ્રાઇવેટ રેઇનબો હૉસ્પિટલ લઈ ગયા હતા. ડૉક્ટરે લક્ષણના આધારે એક્સ-રે અને એન્ડોસ્કોપી કરી ત્યારે પેશન્ટના ઍબ્ડૉમિનલ સ્કૅનમાં ખબર પડી હતી કે તેના પેટમાં ઘણાબધા સિક્કા છે. ડૉક્ટર્સની ટીમે સાવધાનીપૂર્વક ઑપરેશન કરીને પેશન્ટના પેટમાં ફેલાયેલા ૨૪૭ ગ્રામ વજન ધરાવતા ૩૩ સિક્કા બહાર કાઢ્યા હતા. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે બે રૂપિયાના પાંચ, દસ રૂપિયાના ૨૭ અને ૨૦ રૂપિયાનો ૧ સિક્કો મળી કુલ ૩૦૦ રૂપિયાની કિંમત ધરાવતા ૩૩ સિક્કા બહાર કાઢ્યા હતા. આ યુવકને સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારી છે એટલે તેણે સિક્કા ગળી જવાનો અસામાન્ય વ્યવહાર કર્યો હશે.