હૃદયની બીમારી સારી થઈ ગઈ એટલે સાંવરિયા સેઠને ચડાવ્યું ચાંદીનું દિલ

23 May, 2026 12:40 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

બાલમુકુંદ તિવારી નામના ભક્તે હૃદયની બીમારી માટે સાંવરિયા સેઠની માનતા માની હતી

પ્રભુને ચાંદીનું દિલ ચડાવ્યું

રાજસ્થાનના પ્રસિદ્ધ કૃષ્ણના ધામ શ્રી સાંવરિયા સેઠમાં ભક્તો અતૂટ આસ્થા અને વિશ્વાસ સાથે માનતા માને છે. અહીં જે માનતા પૂરી થાય એને લગતું ચાંદીનું પ્રતીક ચડાવવાની પ્રથા પડી ગઈ છે. કોઈકે પેટ્રોલનો ધંધો સારો ચાલ્યો તો ચાંદીનો પેટ્રોલ-પમ્પ ધર્યો હતો તો તાજેતરમાં બારમામાં સારા માર્ક્સ આવતાં ચાંદીની ચોપડી પ્રભુને ચરણે ધરી હતી. આ વખતે સાંવરિયા સેઠને ચાંદીનું હૃદય ચડાવવામાં આવ્યું છે. બાલમુકુંદ તિવારી નામના ભક્તે હૃદયની બીમારી માટે સાંવરિયા સેઠની માનતા માની હતી. બે વર્ષ પહેલાં બાલમુકુંદ તિવારીને હાર્ટ-અટૅક આવ્યો હતો અને જીવન બચવાના ચાન્સિસ ઘટી ગયા હતા. એવા સમયે ૩ મોટી હૉસ્પિટલો બદલીને અમદાવાદમાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી. એ વખતે ઑપરેશન થિયેટરમાં જતાં પહેલાં બાલમુકુંદ તિવારીએ સાંવરિયા સેઠની માનતા માની હતી કે જો આ સર્જરી સફળ રહેશે તો પ્રભુને ચાંદીનું દિલ ચડાવશે.

એ માનતા પૂરી થતાં તેમણે સાંવરિયા સેઠના ચરણે ૧૯૭ ગ્રામના ચાંદીના હૃદયને અર્પણ કર્યું હતું. મંદિરના ઇતિહાસમાં પહેલી વાર કોઈકે ચાંદીનું હૃદય ભેટ ધર્યું હોવાનું મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે. 

ahmedabad rajasthan offbeat news national news news