21 February, 2026 02:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થોડા દિવસ પહેલાં દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ડૉક્ટરોએ દિલ્હીમાં બેઠાં-બેઠાં ૧૨,૦૦૦ કિલોમીટર દૂર ઍન્ટાર્કટિકાના દરદી પર સ્કૅનિંગ કર્યું હતું. એમાં અલ્ટ્રા હાઈ-સ્પીડ ઇન્ટરનેટ અને રોબોટિક ટેક્નિકનો ઉપયોગ થયો હતો. દિલ્હીના ડૉક્ટરોએ ઍન્ટાર્કટિકામાં મૈત્રી સ્ટેશન પર એક બેઠેલી એક વ્યક્તિનું અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન કર્યું હતું. આ ખાસ પ્રકારનું સ્કૅન હતું જે ટ્રૉમાને કારણે શરીરની અંદર થયેલા ઘાના નિદાન માટે થાય છે. એમાં ઇન્ટરનેટના સહારે રોબોટિક હૅન્ડ અને રિયલ ટાઇમમાં પૂરી તપાસ કરવામાં આવી હતી. દિલ્હીમાં ડૉક્ટરોએ કન્ટ્રોલ્ડ ડિવાઇસથી રોબોટિક હૅન્ડ ઑપરેટ કર્યો હતો અને હજારો કિલોમીટર દૂર એ હાથે દિલ્હીના ડૉક્ટરોના ઇશારે કામ કર્યું હતું. એમાં લાગેલી સ્ક્રીન હાઈ-સ્પીડ ઇન્ટરનેટથી ઑપરેટ થઈ રહી હતી જે રિયલ ટાઇમમાં દરદીના શરીરની હાલત સ્ક્રીન પર દેખાડતી હતી.