16 June, 2024 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વર્ચ્યુઅલ રિયલિટી દ્વારા દર્શન કરતાં ભક્તો
અત્યાર સુધી ઉજ્જૈનના મહાકાલેશ્વર અને માતા વૈષ્ણોદેવીનાં દર્શન વર્ચ્યુઅલ રિયલિટી થકી થઈ શકતાં હતાં, પણ હવે ૧૨ જ્યોતિર્લિંગમાંના એક એવા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનાં દર્શન પણ વર્ચ્યુઅલ રિયલિટી દ્વારા થઈ શકશે. ખૂબ ગરમી પડી રહી છે ત્યારે લાંબી લાઇનમાં ઊભા રહેવાને બદલે આ નવો વિકલ્પ ઘણો કારગત નીવડ્યો છે. મંદિરના મૅનેજમેન્ટે ૧૧ મિનિટ ૫૦ સેકન્ડની 3D ફિલ્મ તૈયાર કરી છે જે જોઈને ભાવિકોને પ્રત્યક્ષ દર્શન કર્યાનો અનુભવ મળશે. કાશી વિશ્વનાથ મંદિરના મૅનેજમેન્ટ વતી વિશ્વ ભૂષણ મિશ્રાએ કહ્યું હતું કે પાંચમી મેથી ચોથી જૂન દરમ્યાન મંદિરના લગભગ ૩૬૩ કર્મચારીઓ અને પૂજારીઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી અને તેમને આ અનુભવ પ્રત્યક્ષ સમાન લાગ્યો એટલે હવે આ જ સર્વિસ ભક્તો માટે પણ શરૂ કરી છે. ૧૧ મિનિટ ૫૦ સેકન્ડની આ 3D ફિલ્મ અત્યાર સુધી ૨૮૨ ભક્તો જોઈ ચૂક્યા છે.