05 June, 2026 01:08 PM IST | Cuba | Gujarati Mid-day Correspondent
વાળંદોના એક સમૂહે દર ગુરુવારે શહેરના એક ચોક પર આ કામ શરૂ કર્યું છે
અમેરિકાના રાષ્ટ્રપતિ વારંવાર જે દેશ પર કબજો કરવાની ધમકી આપે છે એ કૅરિબિયન સમુદ્રમાં આવેલા ક્યુબા દેશની રાજધાની હવાનામાં કેટલાક વાળંદો દર અઠવાડિયે વૃક્ષોના છાંયડામાં ઓપન સલૂન લગાવે છે. અહીં તેઓ પુરુષોના વાળ કાપવાનાં અને દાઢી બનાવી આપવાનાં કામ બિલકુલ ફ્રીમાં કરી આપે છે. વાળંદોના એક સમૂહે દર ગુરુવારે શહેરના એક ચોક પર આ કામ શરૂ કર્યું છે. અહીં તેઓ મિરર, ટ્રિમર અને કાતર લઈને ઓપનમાં બેસી જાય છે. જે પણ લોકો આવે છે તેમને એક પણ રૂપિયો આપ્યા વિના દાઢી બનાવવાની અને વાળ કાપવાની સર્વિસ અપાય છે. આ પહેલના માધ્યમથી એક કાંકરે બે પક્ષી મરે છે. આ જગ્યાએ નવા વાળંદોને ટ્રેઇનિંગ અપાય છે અને જે લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હોય તેમને ફ્રીમાં સર્વિસ મળી રહે છે. ક્યુબામાં ભારે આર્થિક તંગી છે. અહીં વીજળી અને પાણીની ભયાનક અછત છે. મોંઘવારી એટલી છે કે અમીરોને પણ સલૂનમાં વાળ કપાવવાના હોય તો બે વાર વિચાર કરવો પડે. અહીં સાદી હેરકટની કિંમત ભારતીય રૂપિયામાં જોઈએ તો ૧૦૦૦થી ૩૦૦૦ ક્યુબન પેસો સુધી પહોંચી ગઈ છે. અહીં કેટલાય વડીલોનું માસિક પેન્શન જ ૨૦૦૦ પેસો છે ત્યારે વાળ કપાવવાનું પોસાય એવું રહ્યું નથી.