ગાય લોખંડનો ખીલો ગળી ગયેલી, ડૉક્ટરોએ ચુંબકથી ખીલો મોંમાંથી જ બહાર ખેંચી કાઢ્યો

23 June, 2026 02:28 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનમાં એક ગાય ચારાની સાથે ખીલો પણ ગળી ગઈ હતી

આ દરમ્યાન ગાય જરાય માથું ન હલાવે એ માટે તેના માથાને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યું હતું

રસ્તામાં પડેલી ચીજોમાંથી ખાવાનું શોધીને ખાતાં પશુઓના પેટમાં પ્લાસ્ટિક અને વાળના ગૂંચળા મળી આવે એવા કિસ્સાઓનો કોઈ તોટો નથી. જોકે રાજસ્થાનમાં એક ગાય ચારાની સાથે ખીલો પણ ગળી ગઈ હતી. એને કારણે ગાયની હાલત કથળી ગઈ હતી. ચારો ખાધા પછી હજી ખીલો તેના જઠરમાં જ પડેલો હતો. આવા કેસમાં બે સંભાવનાઓ રહે છે. એક તો સર્જરી કરીને જ્યાં ખીલો ફસાયો હોય ત્યાંથી કાઢવો. બીજો વિકલ્પ છે એ મળ વાટે બહાર નીકળે એની રાહ જોવી. જોકે ખીલો લોખંડનો હતો અને ધારદાર હતો એને કારણે જો પેટમાં જ આંતરિક અવયવોને ફાડીને એ કૅવિટીમાં જતો રહે તો ગાયને બચાવવી મુશ્કેલ થઈ જાય. એવામાં રાજસ્થાનના ડૉક્ટરોએ જુગાડ જેવો નુસખો અપનાવ્યો. મેટલ-ડિટેક્ટરની મદદથી પહેલાં તો એ શોધ્યું કે ખીલો ગાયના પેટમાં ક્યાં સુધી પહોંચ્યો છે. મેટલ-ડિટેક્ટરમાં ખબર પડી કે ખીલો હજી જઠર પાસે જ છે એટલે ડૉક્ટરોએ સાદો જુગાડ ચુંબકનો લગાવ્યો. જેમ માણસોમાં મોંમાં સાધન નાખીને જઠરના ભાગની એન્ડોસ્કોપી કરવામાં આવે છે એવું જ કંઈક પશુ-નિષ્ણાતોએ ગાય સાથે કર્યું. જોકે આ સાધનમાં છેવાડે અત્યાધુનિક સાધનોની જગ્યાએ એક મજબૂત મૅગ્નેટ ચિપકાવવામાં આવ્યું હતું. ગાયના મોંમાં આ નળી નાખવામાં આવી. અંદરનો ખીલો ચુંબકને ચોંટી ગયો એ પછી ધીમે-ધીમે મોંમાંથી જ એને બહાર કાઢી લેવાયો.

આ દરમ્યાન ગાય જરાય માથું ન હલાવે એ માટે તેના માથાને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યું હતું. જેવો ખીલો બહાર નીકળ્યો કે ગાયના ચહેરા પર પણ સુકૂન પથરાઈ ગયું હતું. 

rajasthan viral videos offbeat news national news news