27 June, 2021 06:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦ મહિનામાં ૪૩ વખત કોરોના પૉઝિટિવ રિપોર્ટ
ગયા વર્ષે કોવિડ-19ની મહામારી ફેલાવાની શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ બ્રિટનના ૭૨ વર્ષના ડેવ સ્મિથ નામના વૃદ્ધ એવા છે જેમણે કોરોના વાઇરસને સૌથી વધુ વખત મહાત આપી છે અને હજીયે તેઓ લડવા તૈયાર છે.
પશ્ચિમ ઇંગ્લૅન્ડમાં બ્રિસ્ટોલ શહેરમાં રહેતા આ નિવૃત્ત ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટરે કહ્યું કે ૧૦ મહિનામાં ૪૩ વખત મારો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને ૭ વાર મારે હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડ્યું હતું. લાગલગાટ ૧૦ મહિના કોવિડના જીવલેણ વાઇરસ સામે સફળતાપૂર્વક લડવું એના પરથી કોઈ પણ વ્યક્તિ ખાતરીથી કહી શકે કે ડેવ સ્મિથ જેવી પ્રતિકારક શક્તિ કોઈનામાં નહીં હોય. તેઓ સતત ૧૦ મહિનાના સૌથી લાંબા સમયગાળા દરમ્યાન કોરોનાના ચેપી વાઇરસના તાબામાં હોવા છતાં કેવી રીતે જીવી શક્યા, તેમના શરીરમાં વાઇરસ ક્યાં અને કયા કારણસર સંતાયેલો રહ્યો હતો એનો બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વાઇરોલૉજિસ્ટ ઍન્ડ્રયુ ડેવિડસન અભ્યાસ કરી રહ્યા છે. એક કન્સલ્ટન્ટે કહ્યું કે સમગ્ર ૧૦ મહિના દરમ્યાન ડેવ સ્મિથના શરીરમાં કોરોનાનો વાઇરસ સક્રિય હતો.
ડેવ સ્મિથ બીબીસી ટેલિવિઝનને કહે છે, ‘મેં તો જીવવાની આશા જ છોડી દીધી હતી. પરિવારજનોને બોલાવીને તેમને ગુડબાય કરી દીધું હતું. વારંવાર મારો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો અને વારંવાર મેં આવું કર્યું છતાં હજી જીવતો છું.’ તેમનાં પત્ની લિન્ડા પતિ સાથે મહિનાઓ સુધી હોમ-ક્વૉરન્ટીન હતાં. લિન્ડા કહે છે, ‘અમારું આખું વર્ષ ભયના ઓછાયામાં ગયું. ઘણી વાર અમને લાગતું હતું કે ડેવ હવે નહીં બચી શકે, પણ તેમના આત્મબળને દાદ દેવી પડે.’
રેગનેરોન નામની યુએસ બાયોટેક કંપની દ્વારા ડેવલપ કરવામાં આવેલા સિન્થેટિક ઍન્ટિબૉડીઝના મિશ્રણની મદદથી કરાયેલી સારવાર બાદ ડેવ સ્મિથ સાજા થયા હતા. પહેલી વાર તેમને વિષાણુનો ચેપ લાગ્યો એના ૩૦૫ દિવસ બાદ (રેગનેરોનની દવા મેળવ્યાના ૪૫ દિવસ પછી) છેવટે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે તેમણે અને પત્ની લિન્ડાએ એના આનંદમાં શૅમ્પેન પીધો હતો.
ડેવ સ્મિથ જેવા ફાઇટર કદાચ કોઈ નહીં હોય. ગયા વર્ષે તેઓ પહેલી વાર કોરોનાનો શિકાર થયા એ પહેલાં તેઓ લ્યુકેમિયાની ઘાતક બીમારીમાંથી બહાર આવ્યા હતા. ફેફસાંની બીમારી તો તેમને વર્ષોથી છે. તેમને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે છતાં બ્રિટનમાં વિવિધ સ્થળે ફરવા જાય છે અને સમય મળતાં પૌત્રીને ડ્રાઇવિંગ શીખવે છે. સ્મિથ કહે છે, ‘હું મોતની નજીક પહોંચી ગયો હતો, પણ હવે બધું સારું છે અને હું બહુ ખુશ છું.’