વર્ષો સુધી રોજ પગની આંગળી પર બટકું ભરીને પત્નીએ પતિને કોમામાંથી જગાડ્યો

11 July, 2026 12:46 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

બે બાળકો સાથે પરિવાર ખુશ હતો, પરંતુ ૮ વર્ષ પહેલાં એક દુર્ઘટનાએ તેમનું જીવન ઊલટપુલટ કરી નાખ્યું. ઝાઓ ૨૦૧૯માં એક વેઅરહાઉસની છતમાં ફસાયેલાં ૩ વર્ષના બાળકને બચાવવા માટે દોડ્યો હતો

લગાતાર પાંચ વર્ષ સુધી રોજ તે પતિના પગને સ્ટિમ્યુલેટ કરતી રહી

એક ચીની મહિલાએ કોમામાં સરી પડેલા પતિની સંભાળ અને સારવાર કરીને તેના બેજાન શરીરમાં આખરે જાન ફૂંક્યો. ઘટના એવી છે કે સેન્ટ્રલ ચીનના હેનાન પ્રાંતમાં રહેતી ૪૫ વર્ષની સૉન્ગ મેઈ નામની આર્ટ-ટીચરનો પતિ ઝાઓ વૉટરપ્રૂફિંગનું કામ કરતો હતો. બે બાળકો સાથે પરિવાર ખુશ હતો, પરંતુ ૮ વર્ષ પહેલાં એક દુર્ઘટનાએ તેમનું જીવન ઊલટપુલટ કરી નાખ્યું. ઝાઓ ૨૦૧૯માં એક વેઅરહાઉસની છતમાં ફસાયેલાં ૩ વર્ષના બાળકને બચાવવા માટે દોડ્યો હતો. દોડીને તેણે બાળકને તો ઝીલી લીધું, પરંતુ એ પછી સંતુલન જતાં તે ૬ મીટર નીચે માથાભેર પડ્યો. પેલું બાળક તો હેમખેમ બચી ગયું, પરંતુ ઝાઓના મગજને એટલું નુકસાન થયું કે તે લગભગ કોમામાં સરી પડ્યો. તેના શરીરમાં કોઈ ચેતના જ નહોતી, માત્ર શ્વાસ ચાલતા હતા. ૬ મહિનાના પ્રયત્ન પછી તો ડૉક્ટરોએ પણ આશા ગુમાવી દીધી હતી. જોકે પત્નીએ હાર ન માની. તેણે નોકરી છોડી દીધી અને આખો દિવસ પતિની સેવામાં લાગી ગઈ. દિવસમાં બે વાર પતિના શરીરને માલિશ કરતી જેથી સ્નાયુઓ મજબૂત રહે. પતિ સાંભળી શકે છે કે કેમ એની ખબર ન હોવા છતાં તે પતિ પાસે બેસીને ખૂબબધી વાતો કરતી. બાળકો સૂઈ જાય એ પછી તે પોતાની સંવેદનાઓને અભિવ્યક્ત કરવા માટે ચિત્રો દોરતી. આ ચિત્રો ઑનલાઇન વેચીને જે કમાણી થતી એનાથી તેનું ઘર ચાલતું. એક વાર મસ્તી-મસ્તીમાં વાતો કરતી વખતે સૉન્ગે પતિના પગના અંગૂઠાને ચીમટો ભર્યો તો તેના શરીરમાં એક હળવું કંપન જેવું થયું. આ ઘટના વિશે તેણે ડૉક્ટરને વાત કરી તો ડૉક્ટરે કહ્યું કે આવું વારંવાર કરો, પગના અંગૂઠા પર સ્ટિમ્યુલેશન કરવાથી બની શકે કે ચેતાતંતુઓ ફરીથી કામ કરતા થાય. ચેતાતંતુની રિકવરી સ્ટિમ્યુલેટ કરવા માટે પત્નીએ રોજ પગની આંગળીઓને મરોડવાનું અને અંગૂઠા પર બચકું ભરવાનું શરૂ કર્યું. લગાતાર પાંચ વર્ષ સુધી રોજ તે પતિના પગને સ્ટિમ્યુલેટ કરતી રહી. તાજેતરમાં ૩૦ જૂને સૉન્ગે જ્યારે પતિના અંગૂઠાને કરડ્યો ત્યારે તેના શરીરમાં હરકત આવી ગઈ અને પહેલી વાર પતિ ધીમું-ધીમું બોલ્યો, ‘સૉન્ગ, આઇ લવ યુ’. એ પછીથી ઝાઓના શરીરમાં ઘણી હલચલ થવાની શરૂ થઈ છે. 

viral videos china offbeat news international news world news