16 September, 2026 12:00 PM IST | Kunming | Gujarati Mid-day Correspondent
પૉર્શે-૭૧૮ સ્પોર્ટ્સકાર પર ખોવાયેલાં ૯૦ બાળકોની વિગતો અને ફોટો ધરાવતાં ફ્લાયર્સ ચોંટાડ્યાં છે
મોંઘીદાટ લક્ઝરી સ્પોર્ટ્સકાર સામાન્ય રીતે પોતાની ઝડપ, કિંમત અને શોઑફ માટે જાણીતી હોય છે. જોકે ચીનમાં એક યુવકે પોતાની કરોડો રૂપિયાની પૉર્શે કારનો એવો અનોખો ઉપયોગ કર્યો છે કે આખું વિશ્વ તેને સલામ કરી રહ્યું છે. યુવકે પોતાની કાર પર ૯૦ જેટલાં ગુમ થયેલાં માસૂમ બાળકોનાં પોસ્ટર્સ લગાવી દીધાં અને એને એક ‘ચાલતી-ફરતી ખોવાયેલાં બાળકોની શોધ’ ઝુંબેશ બનાવી દીધી.
ચીનના કુનમિંગ શહેરમાં રહેતા ડુ લિન નામના આ ભાઈએ પોતાની પૉર્શે-૭૧૮ સ્પોર્ટ્સકાર પર ખોવાયેલાં ૯૦ બાળકોની વિગતો અને ફોટો ધરાવતાં ફ્લાયર્સ ચોંટાડ્યાં છે. કાર પર લાગેલાં પોસ્ટર્સને કારણે લોકોનું ધ્યાન ખેંચાયું અને એમાંથી ગુમ થયેલું એક બાળક ઓળખાઈ જતાં તે હેમખેમ પોતાના પરિવાર પાસે પહોંચી ગયું છે.
આ તમામ વિગતો ‘બેબી કમ હોમ’ નામની જાણીતી ચૅરિટી સંસ્થા પાસેથી મેળવવામાં આવી હતી, જે ગુમ થયેલાં બાળકોને શોધવામાં મદદ કરે છે. કાર પર આ પોસ્ટર્સનું ડિઝાઇનિંગ ડુ લિને પોતે તૈયાર કર્યું હતું.
કેટલાક લોકોએ જ્યારે તેના પર લાઇમલાઇટ મેળવવાનો આરોપ લગાવ્યો ત્યારે ડુ લિને અત્યંત માર્મિક જવાબ આપતાં જણાવ્યું હતું કે જેટલા વધુ લોકોનું ધ્યાન આ કાર તરફ જશે, કોઈ ખોવાયેલા બાળકને લોકો ઓળખી કાઢે એવી શક્યતા એટલી જ વધી જશે.