12 July, 2024 02:35 PM IST | China | Gujarati Mid-day Correspondent
બેબી ટિન્ઝી
ચીનની બેબી ટિન્ઝી તરીકે જાણીતી કન્યાને પાતળા થવાનું અને પાતળા જ રહેવાનું એટલું વળગણ છે કે તે એને માટે કંઈ પણ કરે છે. ૧૬૦ સેન્ટિમીટર એટલે કે લગભગ પાંચ ફુટ બે ઇંચની હાઇટ ધરાવતી બેબી ટિન્ઝીનું વજન માત્ર ૨૫ કિલો છે અને છતાં તે હજીયે વજન ઘટાડવા મથે છે. તેનું હાડપિંજર જેવું શરીર તે કઈ રીતે મેઇન્ટેન કરે છે એની સ્ટોરી તે સોશ્યલ મીડિયા પર શૅર કરતી રહે છે અને એના ટિકટૉક પર ૪૨,૦૦૦ ફૅન્સ છે. તે વધુ પાતળી થશે તો તેના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થશે એવી ચિંતા લોકો કરી રહ્યા છે, પણ એની સામે બેબી ટિન્ઝીનું કહેવું છે કે ભલે તેનાં હાડકાં પર જરાય મસલમાસ નથી, પણ તે પોતાના સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખીને વજન ઘટાડી રહી છે. હાડપિંજર જેવા ફિગર સાથે કૅમેરા સામે ટૂંકાં કપડાં પહેરીને ડાન્સ કરે છે અને વેઇટલૉસની ટિપ્સ આપતી હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ યુવતી ઍનોરેક્સિયા એટલે કે જાણીજોઈને ભૂખમરો વેઠતી માનસિક બીમારીનો ભોગ બની છે.