✕

ચીનમાં ડેટિંગ ઍપની ખાતરી : ૩ વર્ષમાં લગ્ન ન થાય તો પૂરા પૈસા પાછા

10 November, 2026 06:15 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ ઍપ વર્ષે ૨૫,૦૦૦ રૂપિયાની મેમ્બરશિપ ફી લે છે, પરંતુ સાથે તમને મનગમતો સાથી મળી જ જાય એની ખાતરી પણ આપે છે. લિયાંગપેઇ AI નામની આ ઍપ પર મેમ્બરશિપ ૩ વર્ષ માટે હોય છે.

૩ વર્ષમાં લગ્ન ન થાય તો પૂરા પૈસા પાછા

ચીનમાં ડેટિંગ ઍપ્સ વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધા વચ્ચે એક નવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)  સ્ટાર્ટ-અપ કંપનીએ સિંગલ્સ માટે એક અનોખી ઑફર રજૂ કરી છે. આ ઍપ વર્ષે ૨૫,૦૦૦ રૂપિયાની મેમ્બરશિપ ફી લે છે, પરંતુ સાથે તમને મનગમતો સાથી મળી જ જાય એની ખાતરી પણ આપે છે. લિયાંગપેઇ AI નામની આ ઍપ પર મેમ્બરશિપ ૩ વર્ષ માટે હોય છે. જો આટલા સમયમાં તમારાં લગ્ન ન થયાં તો કંપની પૂરી રકમ રીફન્ડ આપશે. કંપનીનું સ્લોગન જ છે - સાચો પ્રેમ મેળવો અથવા પૂરેપૂરી ફી પાછી મેળવો. 
ચીનમાં ૨૮ કરોડથી વધુ યુઝર્સ ઑનલાઇન ડેટિંગ ઍપ્સ યુઝ કરે છે. સામાન્ય રીતે ડેટિંગ ઍપ્સ યુઝર્સને લાંબા સમય સુધી સિંગલ રાખીને કમાણી કરતી હોય છે, પરંતુ આ સ્ટાર્ટ-અપે એ બિઝનેસ મૉડલને પડકાર ફેંક્યો છે. આ ઍપ પર રજિસ્ટ્રેશન વખતે અસલ નામ, પ્રોફાઇલ ફોટો અને કુંવારા હોવાની સત્તાવાર ચકાસણી ફરજિયાત છે. પહેલા જ મહિને તપાસમાં ૧૫૦થી વધુ પરિણીત લોકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઍપ કોઈને એકસાથે બહુબધા લોકો સાથે ચૅટિંગ કરવા જ નથી દેતી. પહેલાં AI દ્વારા ઇન્ટરવ્યુ લેવાય છે અને તમારો પ્રોફાઇલ પણ કંપની જ બનાવીને આપે છે. જ્યાં સુધી તમે એક વ્યક્તિ સાથેની ડેટમાંથી મૂવ-ઑન ન થાઓ ત્યાં સુધી તમને બીજી વ્યક્તિ સાથે ડેટિંગ કરવા નથી મળતું. 
આ ઍપમાં ‘AI સ્ટ્રૅટેજિસ્ટ’ નામનું ફીચર પણ છે, જે સંબંધોમાં આવતી સમસ્યાઓ ઉકેલવામાં માર્ગદર્શન આપે છે. આ ઍપ પર ૩૫,૦૦૦થી વધુ યુઝર્સ થઈ ગયા છે. 

offbeat news china ai artificial intelligence international news world news