ચીનની કમાલ : માણસ બેસી શકે એવી ઊડતી રકાબી બનાવી, ‌‌કિંમત ૧ કરોડ રૂ‌પિયા

23 September, 2026 04:18 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનના યીવુ શહેરમાં એલિયનના યાન જેવી દેખાતી ઊડતી રકાબી ચર્ચામાં છે. આ ઇલેક્ટ્રિક eVTOL ત્રણ મુસાફરો સાથે ૧૫ મિનિટ સુધી ઉડી શકે છે. તેની કિંમત આશરે ૮ લાખ યુઆન એટલે કે લગભગ એક કરોડ રૂપિયા છે.

ચીન eVTOL

સામાન્ય રીતે ઊડતી રકાબીને પરગ્રહ સાથે જોડવામાં આવે છે અને એમાં એલિયન્સ પરગ્રહ પરથી પૃથ્વી પર આવતા હોવાની વાતો છે, પણ હવે ચીનમાં હકીકતમાં ઊડતી રકાબી બનાવી દેવાઈ છે જેને માત્ર એક વાર ફુલ ચાર્જ કરતાં આ રકાબી ૩ પૅસેન્જરો સાથે ૩૧ માઇલની મહત્તમ ઝડપે ૧૫ મિનિટ સુધી હવામાં વિહાર કરાવી શકે છે. ચીનના યીવુ શહેરની માર્કેટમાં આ અજીબોગરીબ ઊડતી રકાબી વેચાણ માટે મુકાઈ છે જેને જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ છે. એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ચીનના ઝેજિયાંગ પ્રાંતના યીવુ ગ્લોબલ ડિજિટલ ટ્રેડ સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલું આ વાહન વાસ્તવમાં એક ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઑફ ઍન્ડ લૅન્ડિંગ (eVTOL) ઍરક્રાફ્ટ છે જેને શેન્ઝેનની સ્માર્ટ ડ્રોન કંપનીએ તૈયાર કર્યું છે. સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જોવા મળતા એલિયન્સના યાન જેવી દેખાતી આ ઊડતી રકાબીમાં ૩૬૦ ડિગ્રી પારદર્શક કૉકપિટ છે. એની બૉડી કાર્બન ફાઇબર, ફાઇબર ગ્લાસ અને ઍલ્યુમિનિયમ ઍલૉયથી બનાવવામાં આવી છે. એને ઊડવા કે ઊતરવા માટે કોઈ લાંબા રનવેની જરૂર નથી. એ હેલિકોપ્ટરની જેમ સીધી જ હવામાં ઊંચકાઈ શકે છે. આ ઊડતી રકાબી જમીન તેમ જ પાણી બન્ને સપાટી પર સફળતાપૂર્વક લૅન્ડિંગ કરી શકે છે અને આશરે ૩૦ મીટરની ઊંચાઈએ ૧૫ મિનિટ સુધી ઊડી શકે છે. એની કિંમત આશરે ૮ લાખ યુઆન એટલે કે ભારતીય ચલણમાં આશરે એક કરોડ રૂપિયા જેટલી રાખવામાં આવી છે અને એને સત્તાવાર ફ્લાઇટ પરમિટ પણ મળી ચૂકી છે.

china world news international news offbeat news hatke news