14 September, 2025 02:28 PM IST | China | Gujarati Mid-day Correspondent
અજીબોગરીબ સિસ્ટમ
ચીનના પબ્લિક ટૉઇલેટમાં એક અજીબોગરીબ સિસ્ટમ ફિટ કરેલી જોવા મળી રહી છે. જ્યારે ફ્રીમાં ટૉઇલેટ પેપર મળતા હોય તો એનો બગાડ બહુ થાય છે. આ વાતને ધ્યાનમાં લઈને ચીનનાં જાહેર શૌચાલયોમાં જાતજાતના અખતરાઓ થતા આવ્યા છે. ૨૦૧૭માં ટૉઇલેટ પેપર ડિસ્પેન્સરમાં ફેસ-સ્કૅનર ગોઠવવામાં આવેલાં અને એક વાર સ્કૅન કર્યા પછી માત્ર ૬૦ સેન્ટિમીટરની જ ટિશ્યુ સ્ટ્રિપ નીકળતી હતી. જો તે વ્યક્તિએ વધુ સ્ટ્રિપ લેવી હોય તો ૯ મિનિટ પછી જ મળતી. જોકે આ સિસ્ટમનો લોકોએ દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું. લોકો જરૂર હોય કે ન હોય, ટૂરિસ્ટ-સ્પૉટ પરનાં જાહેર શૌચાલયોમાં ચહેરો સ્કૅન કરાવી ટિશ્યુ કાઢીને પોતાની સાથે કૅરી કરવા લાગ્યા. એ પછી ૨૦૧૯માં વ્યક્તિદીઠ દર ૧૦ મિનિટે જ એક ટૉઇલેટ-સ્ટ્રિપ નીકળે એવી ટેક્નૉલૉજી લાવવામાં આવી. જોકે હવે આ સમસ્યામાં નવો ટ્વિસ્ટ ઉમેરાયો છે. હવે જાહેર શૌચાલયમાં ટૉઇલેટ પેપર ડિસ્પેન્સર પાસે એક QR કોડ લગાવવામાં આવ્યો છે. આ કોડ સ્કૅન કરો એટલે એક ઍડ્વર્ટાઇઝમેન્ટ જોવા મળે. એ પૂરી થાય એટલે જ ડિસ્પેન્સરમાંથી નાની ટિશ્યુની સ્ટ્રિપ નીકળે. આ નવી સિસ્ટમમાં બે ઑપ્શન છે. એક, જો તમે કોડ સ્કૅન કરીને થોડીક સેકન્ડ્સની ઍડ જોઈ લો તો ફ્રીમાં ટિશ્યુ પેપર મળશે અને જો ન જોવા માગતા હો તો ૦.૫ યુઆન એટલે કે લગભગ ૬.૫ રૂપિયા ચૂકવીને ટિશ્યુપેપર મેળવી લો. એનાથી ટૉઇલેટ ચલાવતી કંપની હવે ઍડ દેખાડવાના પૈસા પણ કમાઈ શકશે. જોકે સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ મોબાઇલ વિના જાહેર શૌચાલયમાં જાય તો શું?