01 October, 2025 11:01 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનના સરકારી અહેવાલો મુજબ મ્યાનમારમાં સ્કૅમ સેન્ટર ચલાવતા એક માફિયા પરિવારના ૧૧ સદસ્યોને એકસાથે મોતની સજા સંભળાવવામાં આવી હતી. એ જ પરિવારના અન્ય સભ્યોને લાંબી કેદની સજા પણ સંભળાવાઈ હતી. આ પરિવાર મ્યાનમાર-ચીનની સરહદ પાસે આવેલા લોક્કાઈ નામના શહેરમાં સક્રિય હતો. આ શહેરમાં પરિવારના સભ્યો ડ્રગ્સ અને સ્કૅમ સેન્ટર ચલાવતા હતા. આ શહેર આમેય કાળાં કામોનો ગઢ ગણાય છે અને અહીં મુખ્ય ૪ કબીલા આ ક્ષેત્રે સક્રિય છે. એમાંથી એક કબીલા માટે આખો પરિવાર કામ કરતો હતો અને શહેરમાં ચાલતા મુખ્ય સ્કૅમ સેન્ટરનું સંચાલન કરતો હતો. તેમની વિરુદ્ધ ૨૦૨૩માં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી. ભારતના પણ અનેક લોકો આ સ્કૅમમાં ફસાયેલા હતા. સરકારી બ્રૉડકાસ્ટર ચૅનલ મુજબ આ સોમવારે ઉત્તર ચીનના વાનઝોઉ શહેરની કોર્ટે આખા માફિયા પરિવારના કુલ ૩૯ લોકોને સજા સંભળાવી હતી જેમાંથી ૧૧ લોકોને મૃત્યુદંડ અપાયો હતો.