01 February, 2025 03:39 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છત્તીસગઢના ભિલાઈમાં ગયા મંગળવારે બિલ્ડર સંજય બુંદેલાની કારમાં બૉમ્બબ્લાસ્ટ કરી ક્ષતિગ્રસ્ત કરવાના કેસમાં પોલીસે એક સૉફ્ટવેર એન્જિનિયર દેવેન્દ્ર સિંહની ધરપકડ કરી હતી. આ બ્લાસ્ટ દેવેન્દ્ર સિંહે એટલા માટે કર્યો હતો કે તેને શક હતો કે તેની પત્નીને સંજય બુંદેલા સાથે અફેર છે. તેની પત્ની સંજયની ઑફિસમાં કામ કરે છે અને તેના પર શક હોવાના આધારે આરોપીએ તેના મોબાઇલ ફોનમાં પણ ટ્રૅકિંગ કરી શકાય એવી ઍપ ડાઉનલોડ કરી દીધી હતી. પત્નીના બૉસને ધમકાવવાના ઉદ્દેશથી તેણે યુટ્યુબમાં વિડિયો જોઈને બૉમ્બ બનાવવાનું શીખી લીધું હતું અને રમકડાના રિમોટનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કર્યો હતો. બ્લાસ્ટના સ્થળે મળેલાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરાનાં ફુટેજમાં દેખાતું હતું કે માસ્ક લગાવેલો એક માણસ કારમાં કંઈક ફિટ કરી રહ્યો છે. આ માણસ દેવેન્દ્ર સિંહ જેવો દેખાતો હોવાથી પોલીસે તેને પકડી લીધો હતો.