09 August, 2025 08:09 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
માણસને નહીં, પોપટને રાખડી બાંધે છે આ બહેન
છત્તીસગઢના અંબિકાપુરમાં રહેતી સ્વપન નામની છોકરીને કોઈ સગો ભાઈ નથી, પરંતુ તેનો રક્ષાબંધન ઊજવવાનો મિજાજ અનોખો છે. તેને પ્રાણીઓ બહુ ગમે છે એટલે તે કોઈ પણ ઘાયલ પ્રાણીને રેસ્ક્યુ કરી એની સારવાર કરીને એને છોડી મૂકે છે. કોરોનાના લૉકડાઉન દરમ્યાન આવી જ રીતે તેની પાસે એક પોપટ આવ્યો હતો જેનું નામ તેણે હીર રાખ્યું હતું. એ પછીથી હીર સ્વપન સાથે એટલો હળીમળી ગયો કે હવે તે આ પોપટને જ ભાઈ માનીને રાખડી બાંધે છે. પોપટભાઈ તેના ઘરે આવ્યા એ પહેલાં તે એક સસલાને રાખડી બાંધતી હતી. સ્વપનનું કહેવું છે કે માણસોને રાખડી બાંધો તો એમાં અપેક્ષાઓ બહુ રહે છે અને અંતમાં તેઓ દગો દઈને જતા રહે છે. માણસોનો પ્રેમ ક્યારેક જૂઠો હોઈ શકે છે, પણ પ્રાણીઓનો નહીં.
હીર તેનો ભાઈ પણ છે અને સદા તેની સાથે પડછાયો બનીને રહે છે. સ્વપન ઘરમાં હોય કે ક્યાંય પણ બહાર જાય, હીર તેની સાથે જ હોય છે. તેના ઘરની આસપાસ બીજા ત્રણ પોપટ પણ છે. હવે તે એ તમામને છેલ્લાં પાંચ વર્ષથી રક્ષાબંધનમાં રાખડી બાંધે છે.