07 December, 2024 05:45 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
હૅર-સ્ટાઇલિસ્ટ હરીશ શહેરના ગીચ વિસ્તાર ગણાતા કલ્યાણનગરમાં કારની છત પર કૂતરાં રાખીને નીકળ્યો
બૅન્ગલોરમાં ત્રણ કૂતરાં કારના રૂફ પર રાખીને ફરવા નીકળેલા એક હૅર-સ્ટાઇલિસ્ટને હવે પોલીસના લૉક-અપમાં બેસવાનો વારો આવ્યો છે. હૅર-સ્ટાઇલિસ્ટ હરીશ શહેરના ગીચ વિસ્તાર ગણાતા કલ્યાણનગરમાં કારની છત પર કૂતરાં રાખીને નીકળ્યો હતો. ત્રણેય કૂતરાંને બાંધ્યાં પણ નહોતાં. આવી રીતે તેણે બે કિલોમીટર જેટલી કાર ચલાવી હતી. રસ્તામાં એક વાહનચાલકે તેને આ વિશે ટકોર કરી તો તેની સાથે તેણે ગાળાગાળી પણ કરી હતી. આ વિડિયો વાઇરલ થયા પછી પશુ-અત્યાચારની સાથેસાથે રોડ-સેફ્ટીની દૃષ્ટિએ પણ જોખમી ડ્રાઇવિંગ વિશે પોલીસને ખબર પડી હતી. પોલીસે કારની નંબરપ્લેટ પરથી તેનું સરનામું શોધ્યું હતું અને ઘરમાંથી તેને પકડી લીધો હતો અને પશુક્રૂરતા નિવારણ અધિનિયમ અને ગુનાહિત ધમકી આપવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૧(૨) હેઠળ હરીશ સામે કેસ નોંધાયો છે. મજાની વાત એવી છે કે વિડિયોમાં હરીશના વાળ સ્ટાઇલિશ દેખાય છે, પણ જ્યારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તેણે કોઈ ઓળખે નહીં એટલે ટાલ કરાવી નાખી હતી.