24 June, 2025 12:32 PM IST | California | Gujarati Mid-day Correspondent
રંગબેરંગી કપડાં પહેરીને શ્વાનોની સર્ફિંગ સ્પર્ધામાં જીત્યો એક કૅન્સર-સર્વાઇવર ડૉગ
પશ્ચિમના દેશોમાં રેક્રીએશન માટે ડૉગીઝને પણ સર્ફિંગ શીખવવાનો શિરસ્તો ઘણા સમયથી ચાલે છે. ડૉગીઝ દરિયાની લહેરો પર સર્ફબોર્ડ પર સંતુલન જાળવે અને ઊંચાં મોજાંઓ સાથે લહેરાય એ માટે બાકાયદા ટ્રેઇનિંગ આપવામાં આવે છે. કેટલાક ડૉગ્સને તો આ સ્કિલ માત્ર મોજશોખ માટે નહીં, પરંતુ અન્ય રોગોની સારવાર બાદ થેરપી તરીકે પણ આપવામાં આવે છે. ગયા અઠવાડિયે કૅલિફૉર્નિયામાં વેસ્ટર્ન અમેરિકન વિસ્તારના ડૉગીઝ વચ્ચે ચૅમ્પિયનશિપ યોજાઈ હતી એમાં સેંકડો ડૉગીઝે ભાગ લીધો હતો. એમાં કોઆ નામના એક ડૉગે સતત બીજી વાર બાજી મારી હતી. કોઆ ખાસ એટલા માટે છે કે એણે થોડાં વર્ષ પહેલાં ગંભીર પ્રકારના કૅન્સરને માત આપી છે. ગયા વર્ષે પણ તે આ ચૅમ્પિયનશિપ જીત્યો હતો અને આ વર્ષે પણ તે અવ્વલ આવ્યો છે.