03 October, 2023 08:20 AM IST | Toronto | Gujarati Mid-day Correspondent
માઇક જૅક
કેટલાક લોકોમાં રેકૉર્ડ બનાવવાની એક અલગ પ્રકારની જીદ હોય છે અને તમે તમારી આસપાસ પણ ઘણી વખત આવા જ લોકોને જોયા હશે, જેઓ વધુમાં વધુ રોટલી આરોગીને રેકૉર્ડ બનાવતા હોય છે અથવા કેટલાક એવા લોકો પણ છે જે રસગુલ્લા ખાઈને રેકૉર્ડ બનાવે છે. જોકે આજે આપણી સમક્ષ એક એવી વ્યક્તિ છે જેણે રોટલી કે રસગુલ્લા નહીં, પણ દુનિયાનાં સૌથી તીખાં મરચાં ખાવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ યુવક કૅનેડાનો રહીશ છે. માઇક જૅક નામની વ્યક્તિએ દુનિયાનાં સૌથી તીખાં મરચાં ખાઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે જૅકે માત્ર ૬ મિનિટ ૪૯.૨ સેકન્ડમાં એક-બે નહીં, પણ ૫૦ કૅરોલિના રીપર્સ મરચાં ખાઈને વર્લ્ડ રેકૉર્ડ પોતાને નામ કર્યો હતો. માઇક જૅક અહીં ન અટકતાં વિશ્વ રેકૉર્ડ બનાવ્યા બાદ પણ તે વધુ ૮૫ મરચાં આરોગી ગયો હતો. એનો મતલબ એ થયો કે કુલ ૧૩૫ મરચાં ખાઈને દુનિયાનો સૌથી અનોખો રેકૉર્ડ કાયમ કર્યો છે. તીખું ખાવાથી મોઢા કરતાં વધારે પેટમાં સમસ્યા થાય છે. રીપર્સ મરચાં ખાધા પછી માઇક જૅકના પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. તેણે મેહસૂસ કર્યું કે કોઈ તેનાં આંતરડાં દબાવી રહ્યું છે. તેનું દિમાગ કહેતું હતું કે મરચાં આરોગવાનું બંધ કરી દે, પણ રેકૉર્ડ બનાવવા માટે તેણે આગળ-પાછળનું બધું વિચારવાનું બંધ કરી દીધું હતું.