કૅનેડામાં યોજાય છે ઠંડીમાં વાળ થિજાવી દેવાની સ્પર્ધા

13 February, 2019 10:40 AM IST  | 

કૅનેડામાં યોજાય છે ઠંડીમાં વાળ થિજાવી દેવાની સ્પર્ધા

બોલો તમારે ભાગ લેવો છો ?

આ વર્ષે નૉર્થ અમેરિકાના કેટલાક વિસ્તારોમા જે હદે ઠંડી પડી છે કે ભલભલી ચીજો હવામાં થીજીને બરફ બની જાય છે. જોકે કૅનેડાનો એક વિસ્તાર દર વર્ષે શિયાળામાં હાડ ગળાવી દેતી ઠંડી માટે જાણીતો છે. કૅનેડાના યુકોન વિસ્તારમાં આવેલા તાખીની ગરમ ઝરામાં દર વર્ષે ઇન્ટરનૅશનલ હેર ફ્રીઝિંગ કૉન્ટેસ્ટ યોજાય છે.

આ ગરમ પૂલનું પાણી કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને આયર્નથી રિચ હોય છે જે કડકડતી ઠંડીમાં પણ ગરમાવો આપીને થૅરપ્યુટિક અસર કરે છે. તાખીની હૉટ પૂલે છેલ્લાં લગભગ આઠેક વર્ષથી સ્પર્ધા યોજવાનું શરૂ કર્યું છે જેમાં ભાગ લેવા અનેક લોકો આવે છે.

ખાસ કરીને ફેબ્રુઆરી-માર્ચ મહિના દરમ્યાન અહીં એટલી ઠંડી હોય છે કે ખુલ્લામાં પડેલી કોઈ પણ ભીની ચીજ પર બરફ જામી જાય છે. આ પૂલનું પાણી સહેજ ગરમાટો આપતું હોય છે, પણ જો તમે એમાં માથું કાઢીને ઊભા રહો તો માઇનસ ૪થી ૬ ડિગ્રી ઠંડીને કારણે વાળ થીજી જાય છે. તમારે જો હેર ફ્રીઝિંગ કૉમ્પિટિશનમાં ભાગ લેવો હોય તો આ ઝરાના પાણીમાં વાળ બોળીને એના પર બરફ થીજી ન જાય ત્યાં સુધી ઊભા રહેવાનું અને પછી એની તસવીરો કૉન્ટેસ્ટ માટે આપી દેવાની.

 આ પણ વાંચોઃ બોલો, આ છોકરીએ બિલાડીઓને રાખવા એક લાખ રૂપિયાનો અપાર્ટમેન્ટ ભાડે લીધો

આ સ્પર્ધાનો એક જ નિયમ છે કે થીજેલા વાળ ધરાવતી તસવીરો માત્ર તેમના પૂલમાં જ પાડેલી હોવી જોઈએ. જો તમે ટકલા હો તો આ સ્પર્ધાના આયોજકો તમારા માટે થોડાક નરમ છે. તમે માથે વિગ પહેરીને એ વાળને ફ્રીઝ કરતા ફોટોગ્રાફ્સ પણ મોકલી શકો છો. માર્ચ મહિનામાં ઠંડીની સીઝન પૂરી થાય ત્યાં સુધી એન્ટ્રી મોકલી શકાય છે અને એ પછી સ્ત્રી પુરુષો, બાળકો, પરિવાર, ફ્રેન્ડ્સ એમ અલગ-અલગ કૅટેગરીના વિનર્સને કૅશ અને અમુક ક્લબ્સની મેમ્બરશિપ ફ્રીમાં આપવામાં આવે છે.

canada offbeat news hatke news