બીકાનેરમાં કચોરી રન, દોડતા જાઓ અને કચોરી ખાતા જાઓ

31 August, 2026 12:36 PM IST  |  Bikaner | Gujarati Mid-day Correspondent

બીકાનેરમાં યોજાયેલી અનોખી ‘કચોરી રન’માં દોડવીરો દોડતાં-દોડતાં કચોરી ખાતા જોવા મળ્યા હતા. બીકાનેર રન ક્લબની આ ફન ઍક્ટિવિટીએ સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

બીકાનેરમાં કચોરી રન, દોડતા જાઓ અને કચોરી ખાતા જાઓ

આજકાલ દરેક શહેરમાં પોતાની આગવી મૅરથૉન થાય છે. ફુલ ૪૨ કિલોમીટરની નહીં તો સિમ્બૉલિક પાંચ-દસ કિલોમીટરની ઇવેન્ટ પણ અવારનવાર થતી રહે છે. આ દોડમાં ભાગ લેનારા લોકો મોટા ભાગે રનિંગ પૂરું કર્યા પછી નાસ્તો કરે છે. જોકે બીકાનેરમાં થોડા દિવસ પહેલાં બીકાનેર રન ક્લબ દ્વારા યોજાયેલી મૅરથૉનમાં લોકો દોડતાં-દોડતાં ખાતા જોવા મળ્યા હતા. એને કારણે સોશ્યલ મીડિયામાં આ ઇવેન્ટને કચોરી રનનું ઉપનામ મળ્યું હતું. આ રન ક્લબ માત્ર ફિટનેસ-ઍક્ટિવિટી પર જ નહીં, ફન-ઍક્ટિવિટી પર પણ ફોકસ કરે છે. ‌આની પાછળનો વિચાર એ છે કે ફન માટે પણ પહેલાં લોકો આ ઍક્ટિવિટીમાં જોડાય તો ખરા. એક વાર દોડવાનું શરૂ કર્યા પછી એના ફાયદા મળતાં આપમેળે વ્યક્તિઓમાં ફિટનેસ માટેની જાગૃતિ આવી જશે. બીકાનેરમાં યોજાયેલી આ કચોરી રનમાં રનર્સ દોડી રહ્યા હતા ત્યારે અચાનક એક ટેમ્પો ત્યાં આવે છે. એ ટેમ્પો પણ ચાલી રહ્યો છે અને એમાં કેટલાક લોકો મોટા થાળમાં કચોરીનો થાળ આગળ કરીને રનર્સને લેવા માટે આપે છે. દોડવીરોએ થોડુંક એક્સ્ટ્રા ફાસ્ટ દોડીને એ થાળમાંથી એક-બે કચોરી ઝડપી લેવાની છે અને પછી પોતાની પેસ પર દોડતાં-દોડતાં તેઓ કચોરી ખાય છે. આ ટ્રેન્ડ માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ અનેક ક્લબોમાં ફેમસ છે. લંડનમાં પેસ્ટ્રી રન થાય છે તો ફ્રાન્સમાં ક્રૉસોં રન થાય છે.

bikaner rajasthan viral videos social media social networking site offbeat news hatke news