09 March, 2026 03:30 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રેમીને પોલીસચોકીમાંથી છોડાવવા માટે પ્રેમિકા મોબાઇલના ટાવર પર ચડી ગઈ
પ્રેમમાં પડેલા પ્રેમીઓ પ્રેમિકા માટે પાણીની ટાંકી કે વીજળીના થાંભલે ચડી જાય એવા કિસ્સા તો બહુ થયા છે, પરંતુ બિહારના ગોપાલગંજમાં એક પ્રેમિકાએ પોતાના પ્રેમીને છોડાવવા માટે ગામઆખાને માથે લીધું હતું. બનકટા ગામમાં અર્પિતા નામની યુવતીને એ જ ગામના પવન ચૌહાણ સાથે પ્રેમ હતો. ગયા અઠવાડિયે ગુરુવારની રાતે અર્પિતા પોતાના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પરિવારજનોએ ખૂબ શોધ કરી પણ કંઈ સગડ ન મળ્યા. પરિવારજનોએ પવન ચૌહાણે દીકરીનું અપહરણ કર્યું છે એવી આશંકા જતાવીને પોલીસમાં ફરિયાદ કરી દીધી. ફરિયાદના આધારે પોલીસે તરત જ પવન ચૌહાણને પકડી લીધો અને પોલીસચોકીમાં લઈ જઈને પૂછતાછ શરૂ કરી. જોકે શુક્રવારે સવારે ગામઆખું મોબાઇલ ટાવર પાસે એકઠું થઈ ગયું, કેમ કે અહીં અર્પિતા ટાવર પર ખાસ્સે ઊંચે જઈને બેઠી હતી. અર્પિતાએ નીચે આવવાનો ઇનકાર કરીને કહી દીધું કે પોલીસ જ્યાં સુધી તેના પ્રેમી પવનને છોડશે નહીં અને બન્નેનાં લગ્ન નહીં કરાવે ત્યાં સુધી તે નીચે નહીં ઊતરે. ખૂબ સમજાવ્યા પછી પણ જ્યારે અર્પિતા માની જ નહીં ત્યારે ચોકીમાં બંધ પવનને હાથકડી સાથે પોલીસ મોબાઇલ ટાવર પાસે લઈ આવી. એ પછી અર્પિતા નીચે ઊતરી અને પોલીસ સાથે જવા તૈયાર થઈ ગઈ હતી.