16 September, 2026 12:05 PM IST | Katihar | Gujarati Mid-day Correspondent
ટીચરે હોડીમાં શરૂ કર્યા ક્લાસ
બિહારમાં પૂરના વિનાશક પાણીએ લાખો લોકોનું જનજીવન ઠપ કરી દીધું છે. રસ્તાઓ ડૂબી ગયા છે, ઘરોમાં પાણી ભરાયાં છે અને સ્કૂલો જળમગ્ન થઈ ગઈ છે. આ કુદરતી આફત વચ્ચે પણ કટિહાર જિલ્લામાં શિક્ષણ અને સેવાભાવની એક અદ્ભુત પ્રેરણાદાયી તસવીર સામે આવી છે. સ્કૂલ પાણીમાં ડૂબી જતાં બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે એક શિક્ષકે હોડી પર જ ક્લાસ શરૂ કરી દીધા છે.
કટિહાર જિલ્લાના લગભગ ૯ લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત છે. આ વિસ્તારમાં દર વર્ષે આવતા પૂરને કારણે બાળકોનો અભ્યાસ મહિનાઓ સુધી અટકી જતો હતો, જે શિક્ષક મોહમ્મદસાહેબને યોગ્ય નહોતું લાગતું. મોહમ્મદસાહેબે હોડી પર ક્લાસ શરૂ કરવા માટે સલામત, શાંત અને ઓછું પાણી ધરાવતો એક જળવિસ્તાર પસંદ કર્યો. હવે આ ટીચર પેરન્ટ્સની સંમતિથી બાળકોને જાતે હોડીમાં બેસાડીને લાવે છે અને રોજ દોઢ કલાક ભણાવ્યા બાદ પૂરી સુરક્ષા સાથે ઘરે પહોંચાડે છે. મોહમ્મદસાહેબનું માનવું છે કે લાંબા સમય સુધી સ્કૂલ બંધ રહેવાથી બાળકોની ભણવાની ટેવ અને શીખવાની ક્ષમતા પર વિપરીત અસર પડે છે એટલે આવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી હતી.
બિહારના આ અનોખા વર્ગખંડની તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર લોકોનાં દિલ જીતી રહી છે.