04 December, 2025 10:35 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહારના મોતિહારીમાં એક દરદી ખાંસી અને છાતીમાં દુખાવાની ફરિયાદ લઈને સરકારી હૉસ્પિટલ ગયો હતો. જોકે આરોપ છે કે ડૉક્ટરોએ દરદીને કૂતરો કરડ્યા પછી લેવામાં આવતું ઍન્ટિ-રેબીઝ ઇન્જેક્શન આપી દીધું હતું. કાગળમાં જે દવાનું નામ લખીને આપ્યું હતું એના પરથી આ વાતનો ખુલાસો થયો હતો. હડકવા માટેનું ઇન્જેક્શન લેવાથી દરદીને કોઈ નુકસાન થાય એવું તો નહોતું, પરંતુ ખાંસીના દરદીને હડકવાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું એ વાતે પબ્લિક હેલ્થ સેન્ટરના અધિકારીને ફરિયાદ મળી હતી. અધિકારીએ તપાસ આદરી છે કે આ ભૂલ કોણે કરી? કોણે આ દવા લખી આપી અને કોણે એનું ઇન્જેક્શન લગાવી પણ દીધું? સરકારી હૉસ્પિટલમાં એક ડૉક્ટર તપાસે છે જેણે પરચીમાં દવાનું નામ લખીને આપ્યું હતું. સરકારી હૉસ્પિટલના દવાના સ્ટોરેજમાંથી બીજી વ્યક્તિએ દવા આપી હતી અને કોઈ કમ્પાઉન્ડર જેવી શિખાઉ વ્યક્તિએ દરદીને ઇન્જેક્શન લગાવ્યું હતું.