27 August, 2026 03:50 PM IST | Gaya | Gujarati Mid-day Correspondent
એક ભેંસ પર બે જણે કર્યો માલિકીનો દાવો, હવે ભેંસની થશે DNA ટેસ્ટ
બિહારના ગયાજી જિલ્લાના અતરી ગામમાં એક ભેંસ પર બે લોકોએ માલિકીનો દાવો કરતાં મામલો વકર્યો છે. વાત એમ છે કે સુરેશ યાદવ નામના ભાઈની ભેંસ થોડા દિવસ પહેલાં અચાનક ગાયબ થઈ ગઈ હતી. બહુ શોધી પણ ક્યાંય મળી નહીં. બે દિવસ પછી તેમને કોઈકે કહ્યું કે નૌરંગા ટોલી નામના ગામમાં પ્રકાશ માંઝી નામના ભાઈના ઘરે એક ભેંસ બાંધેલી મળી છે એ સુરેશની છે. સુરેશ યાદવ ત્યાં પહોંચ્યા અને પ્રકાશ માંઝીના તબેલામાં બાંધેલી ભેંસને પોતાની ગણાવીને પોતાને ત્યાં લઈ આવ્યા. પ્રકાશ એની ફરિયાદ પોલીસમાં નોંધાવી આવ્યો. પોતાની ભેંસ ચોરીને સુરેશ લઈ ગયો છે એવી ફરિયાદ નોંધાવાથી પોલીસ સુરેશને ત્યાં પહોંચી. બન્ને એ ભેંસ પોતાની છે એવો જ દાવો કરતા રહ્યા. વાત સ્થાનિક રાજકારણીઓ સુધી પહોંચી એટલે પોલીસ-ઇન્સ્પેક્ટરે સાચા માલિકની ઓળખ કરવા માટે બન્નેની ડીઑક્સિરિબો ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવવાનો ઑર્ડર આપ્યો છે. જોકે આમાં સવાલ એ થાય કે ભેંસોની માલિકી DNA ટેસ્ટથી કઈ રીતે નક્કી થશે? આ માટે બન્ને માલિકો ભેંસના બચ્ચાનાં સૅમ્પલ પણ આપશે. એ સૅમ્પલ સાથે DNA તપાસવામાં આવશે. જે માલિક પાસેના બચ્ચા સાથે આ ભેંસના DNA મૅચ થશે તેને આ ભેંસ મળશે.